Gujarat

ખંભાળિયાના સોનારડી ગામના ખેડુતના ઘરેથી ૫.૩૧ લાખની ચોરી થઈ

જામનગ
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા વૃદ્ધ ખેડૂતના રહેણાંક મકાનમાં ઘુસી આવેલા એક શખ્સ આ ઘરમાં રાખવામાં આવેલો રૂપિયા ૪.૧૧ લાખની રોકડ રકમ તથા દાગીના મળી કુલ ૫.૩૧ લાખના મુદ્દામાલ સાથેનો ડબ્બો ચોરી કરીને લઇ ગયા હોવાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે ૧૮ કિલોમીટર દૂર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેતના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધના ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ તેમના દ્વારા એક વેપારીને કરવામાં આવ્યું હતું. જે બદલ તેમને રૂપિયા ૪.૧૧ લાખની રોકડ રકમ મળી હતી. ખેડૂતો કપાસ વેચાણના આવેલી રોકડ રકમ તેમજ રૂપિયા ૯૦ હજારની કિંમતનો ત્રણ તોલાનો પટ્ટીચેન તથા રૂપિયા ૩૦ હજારની કિંમતની સોનાની એક તોલાની વીંટી મળી કુલ રૂપિયા ૫.૩૧ લાખનો મુદ્દામાલ ભરેલો ડબ્બો તેઓએ તેમના ઘરમાં પતરાના ડબ્બામાં લોક મારીને રાખ્યો હતો. દાજીભા જાડેજા તથા તેમના પત્ની દક્ષાબા સુતા હતા, ત્યારે ઉપરોક્ત મુદ્દામાલ સાથેનો ડબ્બો કોઈ શખ્સ લઈને જતો હોવાનું તેમના પત્ની દક્ષાબાના ધ્યાને આવ્યું હતું. આથી તાકીદે તેણીએ દાજીભાને ઉઠાડ્યા હતા અને દાજીભાએ કાળા કલરનું આખી બાંયનું ટી-શર્ટ પહેરેલા આ શખ્સને ઝડપી લેવા પાછળ દોટ મૂકી હતી. પરંતુ આ અજાણ્યો શખ્સ ખેતરના શેઢેથી અંધારામાં ઓગળી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક આગેવાનો ભીખુભા દજુભા જાડેજાને માહિતગાર કરતા આ સમગ્ર ઘટના અંગે અહીંની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ, વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૦ મુજબ ગુનો નોંધી, જરૂરી તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની સેવાઓ પણ લેવામાં આવી હતી. પરંતુ કોઇ નોંધપાત્ર પગેરું મળ્યું ન હતું.

Five-and-a-half-lakh-cash-and-jewelery-theft.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *