રાજકોટ
રાજકોટની ભાગોળે આવેલા ખીજડિયા સણોસરના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો તેમજ નાનામવા સર્કલ પાસેના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા યુવકે બ્લીચિંગ પી આપઘાતની કોશિશ કરતા તે હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો. ખીજડિયા સણોસરા ગામે રહેતા મયંક પ્રવીણભાઇ ચાવડા નામના ૨૪ વર્ષના યુવકે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં જ પરિવારજનોએ તેને નીચે ઉતારી બેભાન હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી અને આપઘાતનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી હતી, યુવાન પુત્રના આપઘાતથી ચાવડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અન્ય એક બનાવમાં નાનામવા મેઇન રોડ પર સર્કલ પાસેના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા અમિત પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું બ્લીચિંગ પી લીધું હતું, બ્લીચિંગ પીવાથી અમિત ઊલટી કરવા લાગતા પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી અને યુવકના આપઘાતના પ્રયાસનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી હતી.


