નડિયાદ
ખેડા જિલ્લાના વસો ટાઉનમાં ઇન્દિરાનગરીમાં રહેતા કોતિ શંકરભાઈ વણકર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હોવાની બાતમી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસને મળી હતી. આથી પોલીસે ગતરોજ સમી સાંજે બાતમીના આધારે વસો ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ઘૂસી ઉપરોક્ત જગ્યાએ પહોંચી છાપો માર્યો હતો. કાંતિ વણકરનું મકાન અંદરથી બંધ હોઈ પોલીસ બાજુના મકાનની દિવાલથી અંદર પ્રવેશી દરવાજાે ખોલ્યો હતો. આ બાદ સીડી ચઢી પોલીસના માણસો પહેલા માળે પહોંચતાં ત્યાં રૂમમાં જુગાર રમતા લોકોમાં સોંપો પડી ગયો અને નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો તો પાછળના દરવાજેથી નીચે કુદી ગયા હતા અને ભાગવામાં સફળ થયા હતા. પોલીસે અહીંયાથી ૧૧ વ્યક્તિઓને દબોચી લીધા હતા. જેમાં જુગારધામ ચલાવતો કાંતિ શંકરભાઈ વણકર, તેનો પુત્ર નિલેશ વણકર, પ્રવિણ પરબતભાઈ રાઠોડ (રહે. આસ્થા સોસાયટી, નડિયાદ), રમેશ બચુભાઇ રાવળ (રહે. અમદાવાદી દરવાજા, નડિયાદ), ભીમજી ગગજી પટેલ (રહે. ગોળીયાવાસ, ધોળકા), જીગ્નેશ ખોડાભાઈ પટેલ (રહે. ભાગ્યાની ખડકી, ખેડા), પ્રધ્યુમન ગંભીરસિંહ રાણા (રહે. રાવરાણી, તા. થાનગઢ), મહેશ થોભણભાઈ કોઠડીયા (રહે. સુંદરડા, તા. કેશોદ), અયુબખાન રહીમખાન પઠાણ (રહે. મિત્રાલ, તા. નડિયાદ), શૈલેષ જયંતિભાઈ સોલંકી (રહે. ભાટવાડો, કઠલાલ) અને ગૌતમ મણિલાલ કલસરીયા (રહે. ખોડીયાર મંદિર પાસે, નડિયાદ)નો સમાવેશ થાય છે. પોલીસે ઉપરોક્ત સ્થળેથી રોકડ રૂપિયા અને ઝડપાયેલા ઈસમો પાસેથી મોબાઇલ ફોન તથા ફરાર થયેલા વ્યક્તિઓના ૩ ટુ વ્હિકલ મળી કુલ રૂપિયા ૯૨, ૫૭૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. તેમજ ફરાર થયેલા ઈસમનો શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે આ દરોડા પાડતાં સ્થાનિક વસો પોલીસના નાક નીચે રેલો આવ્યો છે. જિલ્લામાં જુગારની બદીઓ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે ગતરોજ જિલ્લાના વસો ટાઉનમાં જુગારના અડ્ડા પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી ૧૧ જુગારીયાઓને રંગેહાથે ઝડપી લીધા છે. આ દરોડાના કારણે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર કાંતિ વણકર અને તેનો પુત્ર છેલ્લા કેટલાય સમયથી જુગારધામ ચલાવતા હોવાનું બહાર આવતાં આ બન્ને પિતા-પુત્ર જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પોલીસે રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન સહિત વાહનો મળી કુલ રૂપિયા ૯૨,૫૭૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


