નડિયાદ
ગુજરાત રાજ્યમાં ૮૦૦થી વધારે ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે પૈકી ખેડા જિલ્લામાં કુલ ૧૮ એમ્બ્યુલન્સ ફાળવેલી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગયા વર્ષે ખેડા જિલ્લાની ૧૮ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૨૩ હજાર ૫૦૦થી વધુ ઇમરજન્સીને પ્રાથમિક સેવા પૂરી પાડીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યુ હતું. ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું કે ૨૩ હજાર ૫૦૦ ઇમરજન્સીમાંથી પ્રેગનન્સીને લગતી ૮૭૬૭ ઇમરજન્સી, માર્ગ અકસ્માતની ૩૩૨૯ ઇમરજન્સી, કોરોનાની ૨૨૧૫ ઇમરજન્સી, પેટમાં દુખાવાના ૧૪૪૧ ઇમરજન્સી, શ્વાસની તકલીફમાં ૧૪૦૦ ઇમરજન્સી, હ્રદયને લગતી ૭૧૫ ઇમરજન્સી, તાવની ૪૩૭ ઇમરજન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સી આવી હતી. જેમાં ૧૦૮એ સારી રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડીને દર્દીને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.કોરોનાના કપરો કાળ હોય કે પછી આકસ્મિક બનાવ તેમાં પ્રથમ હરોળમાં સેવા કરી રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સે પોતાની ફરજ પારદર્શી રીતે નિભાવી કેટલાય લોકોને મોતના મુખમાં જતાં બચાવ્યા છે. તેઓ વાર તહેવારથી અળગા રહી પોતાની ડ્યુટી કરી રહ્યા છે. ગયા વર્ષની જાે વાત કરવામાં આવે એટલે કે કોરોનાની જ્યારે બીજી લહેર ઉઠી ત્યારે ૧૦૮ની ટીમે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાને મદદ કરી અનેકોના જીવ બચાવ્યા છે. આ ઉપરાંત અન્ય રોગ અને અકસ્માત સહિત ગર્ભવતી મહિલાઓના વહારે આ ૧૦૮ની ટીમ પહોંચી છે. જેમાં ૧૦૮ સેવાએ ૨૦૨૧માં ૨૩ હજારથી વધુ લોકોને સેવા પૂરી પાડી હતી. નોંધનીય છે કે તેમાં સૌથી વધુ ગર્ભવતી મહિલાઓની ૮૭૬૭ ઈમરજન્સી નોંધાઈ હતી.
