આણંદ
આણંદ શહેરમાં ૩૦૦થી વધુ કેસ, વિદ્યાનગર, કરમસદ અને ચિખોદરાસહિતના ગામોમાં ભારે સંક્રમણના પગલે કન્ટેઇન્ટમેન્ટ મકાનોમાં વધારો થઇ રહ્યો છે. શનિવારે આણંદ જિલ્લામાં નોંધાયેલા ૫૬૫ કેસ સાથે એકટીવ દર્દીઓની સંખ્યા ૧૯૪૫ પર પહોંચી ગઇ છે. જેમાંથીપરંતુ તેની સામે માત્ર ૪૯ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. બાકીના ૧૮૯૬ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં દાખલ ૩૯માંથી ૭ ઓક્સિજન પર, ૩ બાયપેપ અને ૨ દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. સરકારી તંત્ર પણ માત્ર જાહેરનામા બહાર પાડીને સંતોષ માને છે.આણંદ તાલુકામાં ચાર દિવસમાં ૧૨૮૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૦ ટકાથી વધુ એટલે કે ૫૧૦ થી વધુ યુવાવર્ગ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કોરોનાનો વેરિયેન્ટ મંદ હોવાથી લોકો ઘરે રહીને જ સાજા થઇ જતા હોવાથી જિલ્લાવાસીઓ તેને હળવાશથી લઇ રહ્યા છે. આણંદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર પણ તેના ભરડામાં આવી ગયો છે.આણંદ જિલ્લામાં લગ્નની મૌસમ અને ઉપસરપંચોની મૌસમની સાથે સાથે કોરોનાની સિઝન પણ જામી હોય એમ શુક્રવારના વિરામ બાદ શનિવારે ૫૦૦થી વધુ કોરોના દર્દીનો આંક વટાવી ગયો હતો. ગત ગુરૂવારે પણ ૫૫૮ દર્દી નોંધાયા બાદ શનિવારે નવા ૫૬૫ કેસ નોંધાતા કોરાનાની સ્થિતિએ આણંદ જિલ્લો જાણે રેડ ઝોનમાં આવી ગયો છે. આણંદ શહેરમાં લાદવામાં આવેલા રાત્રી કરફ્યૂની પણ જાણે કોઇ અસર ના થઇ હોય એમ રોજની જેમ આજે પણ આણંદ શહેર-તાલુકામાં જિલ્લાના સૌથી વધુ ૪૧૦ કેસ નોંધાયા છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં પેટલાદ તાલુકામાં એકી સાથે ૧૦૮ નવા કેસ સરકારી ચોપડે ચડ્યા છે. આણંદ જિલ્લામાં જાહેર સ્થળો પર કોરોના ગાઇડલાઇનના થઇ રહેલા સરેઆમ ઉલ્લંઘન અને લગ્નસરાની સિઝન તથા ઉપસરપંચની ચૂંટણીમાં જામતા ટોળાના કારણે સંક્રમણ સતત વધી રહ્યું છે.


