ગીર સોમનાથ
જૂનાગઢ સોમનાથ લોકસભા વિસ્તારની બે દિવસીય મુલાકાતે કેન્દ્રીય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પિયૂષભાઈ ગોયલ સોમનાથ આવ્યા હતા. અત્રે અહીં મંત્રીજીની અધ્યક્ષતામાં વેરાવળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડુતોને સરકારી યોજનાના મળતા લાભો અને ખેતી ક્ષેત્રે કેન્દ્ર સરકારે કરેલા અને આગામી દિવસોમાં કામોની વિગતો જણાવી હતી. ભારતને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે. સરકારની ઈમાનદાર વ્યવસ્થાના પરિણામે વચેટિયાઓની નાબૂદી થયા છે અને ખેડૂતો તથા વેપારીઓને યોગ્ય ફાયદો થયો છે. ગુજરાતની અલગ-અલગ એપીએમસી આ બાબતના મોડલરૂપ બન્યા છે. આઇ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતને ડિજિટલ સુવિધા મળતી થઈ છે. સોઈલ હેલ્થ કાર્ડ લાવી સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. સમગ્ર ભારતવર્ષના ખેડૂતોની ખેતપેદાશ પર કેન્દ્રમાં પણ ચર્ચા અને ચિંતન થાય છે. જે સરકારની જગતના તાત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. સરકાર અને એપીએમસી સાથે મળી એક પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે. ખેડૂત-વેપારી તેમજ એપીએમસી એક ભાઈચારાના વાતાવરણ સાથે કામ કરી રહી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા ગીર સોમનાથ ભાજપના નેતાઓ દ્વારા મંત્રી ગોયેલને સોમનાથ મહાદેવની તસવીર પ્રતિકૃતિ આપી અભિવાદન કર્યુ હતું. બાદમાં સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ મગફળી, નારિયેળનું ઉત્પાદન, ચણા, સોયાબીનનું ઉત્પાદન, કઠોળના ભાવ, કોમોડિટી, ટેકાના ભાવ વગેરે વિશે સૂચનો સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ મંત્રી દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે પણ બેઠક યોજી પ્રજાના પ્રશ્નો અને આ વિસ્તારમાં ચાલતા સરકારના કામોની જાણકારી મેળવી જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તકે મિડીયા સાથેની વાતમાં પિયુષ ગોયેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની વાતો રજૂ કરીને આગામી ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં પણ ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતવાની રણનીતિ ઘડાઈ રહી છે અને જેના ભાગરૂપે ભાજપના દિગગજ નેતાઓના ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રવાસો વધી રહ્યા છે. જે અંગે મંત્રી પિયુષ ગોયેલએ પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસને વિધાનસભા ચૂંટણી સાથે કોઈ નિસબત ન હોવાનો ખુલાસો કર્યો હતો. સવારે કેન્દ્રીય મંત્રી સોમનાથ હેલિપેડ પર પહોંચેલ ત્યારે પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ઉદય કાનગડ, ઝવેરીભાઈ ઠકરાર સહિતના જિલ્લા ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતુ. બાદમાં મંત્રી પિયુષ ગોયેલ જગવિખ્યાત સોમનાથ મંદિરએ પહોંચેલ હતા. જ્યાં મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ મુલાકાત વેળાએ પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, રાજશીભાઈ જાેટવા, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, પાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ સાથે રહ્યા હતા.
