ગાંધીનગરથી બાગાયત નિયામકશ્રી ડૉ.પી.એમ.વઘાસીયા અને સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડૉ.બી.પી.રાઠોડે ઓનલાઇન પ્લેટફોર્મથી વર્ચ્યુઅલી જોડાઇને ખેડૂતોને પુરુ પાડેલું માર્ગદર્શન
———
નાંદોદ તાલુકાના ધાનપોર અને દેડીયાપાડાના કે.વી.કે. દેડીયાપાડા ખાતે આયોજિત
ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો
———
તાલુકા કક્ષાની બન્ને ખેડૂત શિબિરમાં સુભાષ પાલેકર ગાય આધારીત પ્રાકૃત્તિક ખેતી, ખેડૂતલક્ષી વિવિધ
યોજનાઓ વિશે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માહિતગાર કરાયાં
———
– નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં જિલ્લામાં ખેડૂતલક્ષી કાર્યક્રમો અને સરકારશ્રીની વિવિધ યોજનાના અમલીકરણ માટે બાગાયત વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અવાર-નવાર યોજવામાં આવે છે. આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ કૃષિ નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી ખેડૂતોને નવી ખેતી પધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ ખેડૂત દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને દેડિયાપાડા તાલુકામાં ખેડૂત શિબિર યોજાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાગાયત નિયામકશ્રી ડૉ.પી.એમ.વઘાસીયા અને સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડૉ.બી.પી.રાઠોડ દ્વારા ગુગલ લાઇવ મીટ ઓનલાઇન પ્લેટફોર્મથી જોડાઇને પોષણ, ફુડસિક્યોરિટી, કિચન ગાર્ડન, બાગાયતી યોજના વિશે ખેડુતોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ. નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત નાંદોદ તાલુકાના ધાનપોર ગામે અને દેડિયાપાડા તાલુકાના કે.વી.કે. દેડીયાપાડા ખાતે ખેડૂત શિબિર યોજાઇ હતી. નાંદોદ તાલુકામાં આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.
નાંદોદ તાલુકાના ધાનપોર ખાતે યોજાયેલી ખેડૂત શિબિરમાં નર્મદા જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી નિતિનકુમાર વી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં સરકારશ્રીના બાગાયત વિભાગ અને ખેડુતલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડુતોને માહિતગાર કર્યા હતા. સાથોસાથ નાયબ ખેતી નિયામક (તાલીમ) શ્રી દિપક શિનોરાએ સુભાષ પાલેકર ગાય આધારીત પ્રાકૃત્તિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. આ તબક્કે બાગાયત અધિકારીશ્રી (જીલ્લા કક્ષા) શ્રી અતિક એમ.મુલ્લાએ બાગાયત વિભાગની ખેડુતલક્ષી યોજનાઓ વિશે, મહિલા વૃત્તિકા યોજના, મુલ્ય વર્ધન તથા તાલીમ વિશે ઉંડાણપૂર્વક માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ. આ કાર્યક્રમાં ઉપસ્થિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગરૂડેશ્વર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજેશભાઇ તડવીએ પોતે કરેલી પ્રાકૃત્તિક ખેતીના અનુભવો શિબિરમાં ઉપસ્થિત ખેડુતો સમક્ષ પ્રસ્તૃત કર્યા હતા.
દેડીયાપાડા તાલુકાના કે.વી.કે. દેડીયાપાડા ખાતે યોજાયેલી ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નર્મદા જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકશ્રી જીગરભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં બાગાયત વિભાગની ખેડુતલક્ષી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી પુરી પાડી હતી. તો કે.વી.કે. દેડિયાપાડાના વડા અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. પી.ડી.વર્માએ વિસ્તારને અનુરૂપ બાગાયતી ખેતી વિશે માહિતી આપીને કે.વી.કે નો મહત્તમ લાભ લેવા ખેડુતોને અપીલ કરી હતી. આ શિબિરમાં ડૉ.મીનાક્ષી તિવારીએ મહિલા તાલીમ, કિચન ગાર્ડન-ઈનડોર ગાર્ડન જેવી બાબતો વિશે જાણકારી આપી હતી અને શ્રી નિખીલભાઇએ હવામાન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં હાજર રહેલા પ્રગતિશીલ ખેડૂત શ્રી કરમસિંગભાઇ વસાવા અને શ્રી મનિષભાઇ ભગતે શાકભાજી, તરબુચ, ટેટી સહિત અન્ય પાકોની પ્રાકૃત્તિક ખેતી પધ્ધતિ વિશે જરૂરી માહિતી પુરી પાડી હતી. જ્યારે ડૉ.પોશીયાએ બાગાયતી ખેતી, પ્રાકૃતિક ખેતી, વાતાવરણ વગેરેની જાણકારી આપી હતી. શ્રી રમેશભાઇ વસાવાએ બાગાયતદાર ખેડુતના અનુભવ, પ્લગ નર્સરી વિશે ખેડુતોને માહિતી પુરી પાડી હતી.


