Gujarat

ખોડલધામમાં ૨૧ જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવ યોજાશે

રાજકોટ
કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમા મા ખોડલની સાથે અન્ય ૨૦ દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ ૬૫૦ જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના ૦૮-૦૩-૨૦૧૦ના રોજ થઈ હતી. જેનો વિચાર નરેશ પટેલને ૨૦૦૨માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના ૨ લાખ ૩૦ હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ ૨૫૨ ફૂટ અને ૫ ઇંચ છે. મંદિરની લંબાઈ ૨૯૮ ફૂટ અને ૭ ઇંચ છે. જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ ૧૫૯ ફૂટ ૧ ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક ૧૪ ફૂટ ઉંચો, ૬ ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કળશની પાસે ૪૦ ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે.ર ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ ૬૫૦ મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બીમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરને ૨૧ જાન્યુઆરીએ ૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ૨૧ જાન્યુઆરીએ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખુદ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી આમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે હાલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં ૧૦૮ કુંડી યજ્ઞ યોજાનાર હોય હાલ સ્વયંસેવકો દ્વારા હવનકુંડ બનાવવામાં આવી રહ્યા છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ કાગવડ ખાતે માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમયે ૧૦૦૮ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧ જાન્યુઆરીના રોજ ૫ વર્ષ પૂર્ણ થતા પંચમ પાટોત્સવને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિર ખાતે કુલ ૧૦૮ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે યજ્ઞશાળા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Khodaldham-grand-Patotsav-on-21st-January.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *