Gujarat

ખોડલ માતાનું નામ લખેલો ૯ લાખ મમરાનો ૯ મીટર લાંબો હાર બનાવ્યો

ગોંડલ
ગોંડલ શહેરમાં મોટી સંખ્યામાં મમરાના કારખાનાઓ આવેલ હોવાની સાથે મમરા ઉદ્યોગ દેશભરમાં ખ્યાતિ પામ્યો છે.ત્યારે ગોંડલની મહિલાઓએ દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ મમરાનો ભવ્ય ખોડલધામ પાટોત્સવ માટે હાર બનાવીને ગોંડલનું એક અનોખું ગૌરવ વધાર્યુ છે. ગોંડલ ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓએ ૯ મીટરનો અને ૯ લાખ મમરાનો હાર બનાવ્યો છે.મમરાના હારમાં એક મમરામાં એક એક શબ્દ સ્કેચપેનથી લખવામાં આવ્યો છે.અને એકથી આઠ સુધીના મમરામાં “ભક્તિ દ્વારા એકતાની શક્તિ-જય મા ખોડલનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે. મહિલા સહિતના શિલ્પાબેનને મમરાનો હાર બનાવવાનો વિચાર છેલ્લા ત્રણ વર્ષથી આવતો હતો પરંતું સોયદોરાથી મમરાનો હાર પોરવવામાં મમરા તૂટી જવાનો ડર લાગતો હતો.તેમ છતા શિલ્પાબેને ડેમો કરીને મમરાનો હાર બનાવવામાં સફળતા મળી હતી.બાદમાં મહિલાઓએ મમરાનો હાર બનાવવાનું નક્કી કરતા ૩૦ મહિલાઓએ રોજીંદા ૬ કલાકનું કામ કરીને ૨૦ દિવસની મહેનતના અંતે ૯ લાખ મમરાનો “ભક્તિ દ્વારા એક્તાની શક્તિ-જય મા ખોડલ”ના સૂત્રના લખાણ સાથે મમરાનો હાર તૈયાર કર્યો છે. શીતલબેન માથુકીયા, વર્ષાબેન માવાણી, ગીતાબેન ધડુક, રેખાબેન સાવલિયા, કલ્પનાબેન વોરા, સરોજબેન પાંભર, રાધાબેન ક્યાડા, નીતાબેન, નયનાબેન સહિતની મહિલાઓના માર્ગ દર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ આ મમરાના હાર બનાવવામાં નાની ઉંમરના ૧૦ વર્ષના બાળકોથી લઈને ૭૦ વર્ષના વૃદ્ધે પણ ભાગ લીધો હતો.સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે આવતીકાલ ભવ્ય પંચ વર્ષિય પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ૯ લાખ મમરાનો હાર અર્પણ કરવામાં આવશે. મમરાના હારમાં જુદાજુદા એક એક મમરા પર “ભક્તિ દ્વારા એક્તાની શક્તિ-જય મા ખોડલ”નું સૂત્ર લખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *