ગાંધીધામ
એક તરફ નોરતા નજીક આવી રહ્યા છે ત્યારે યાત્રિકો અને પદયાત્રીકોનો ધસારો વધી રહ્યો છે તેવામાં માતાના મઢ છકડામાં દર્શન કરવા આવેલો પરિવાર મોરબી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પડાણા નજીક ધસમસતા જતા અજાણ્યા ટ્રક ચાલકે છકડાને અડફેટે લેતાં છકડામાં સવાર યાત્રીક પરિવારના ૮ અને ૫ વર્ષીય બાળકોના જીવનદિપ ઘટનાસ્થળે જ બુઝાઇ ગયા હતા તો અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ૧૦૮ મારફત ખસેડાયા હતા. આ હિટ એન્ડ રનની જીવલેણ ઘટનાથી પરિવાર આઘાતમાં સરી જતાં મોડે સુધી પોલીસને પણ મૃતક અને ઇજાગ્રસ્તોના નામ મળી શક્યા ન હતા. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વીગતો મુજબ, મોરબીથી છકડો રિક્ષામાં માતાના મઢ દર્શનાર્થે આવેલો પરિવાર મઢ ખાતે માતાજીના દર્શન કરી મોરબી તરફ પરત જઇ રહ્યો હતો. તેઓ પડાણા નજીક અજમેરી હોટલ સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ જઇ રહેલો ટ્રેઇલર ચાલક છકડાને જાેરદાર ટક્કર મારી હિટ એન્ડ રનના બનાવને અંજામ આપી ભાગી ગયો હતો. ઘટનાની જાણ ૧૦૮ ને કરાતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા હતા. બી-ડીવીઝન પોલીસ પણ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહો઼ચી હતી. પરંતુ આ ગોઝારી ઘટનામાં એક ૮ વર્ષીય અને બીજા ૫ વર્ષીય બાળકના મોત નિપજ્યા હતા તો અન્ય ૫ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને કારણે પરિવાર આઘાતમાં સરી જતાં રાત્રે સર્જાયેલી આ ઘટનામાં રાત સુધી મૃતક અને ઇજાગ્રસ્તોના નામ પોલીસને પણ મળી શક્યા ન હતા. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.


