ગાંધીનગર
ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ માતાપુરા ગામના પાટીયા પાસે સ્થિત પ્લાયવૂડની ફેક્ટરીમાં આવેલી ડ્રાઇંગ ચેમ્બરમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. જેને પગલે નાસભાગ મચી હતી. જાેકે, ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસારતા અટકાવી દઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ગાંધીનગરનાં ચંદ્રાલા હાઇવે રોડ માતાપુરા ગામના પાટીયા નેવોન નામની પ્લાયવૂડ ફેક્ટરીમાં રાત્રિના સમયે ડ્રાઇંગ ચેમ્બરમાં (ઓરનાટો પેનલ) અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેનાં પગલે ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. ફેક્ટરીમાં હાજર લોકોએ આગ પર કાબુ મેળવવાનો સૌ પ્રથમ પ્રયાસ કર્યો હતો. પરંતુ લાકડાને ડ્રાય કરવાની ચેમ્બરમાં લાગેલી આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં પગલે આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતા. ત્યારે હાઇવે પરથી વાહનચાલકો પણ વિકરાળ આગ જાેઈને થોડી વાર માટે થંભી ગયા હતા. પ્લાયવૂડની ફેક્ટરીમાં આગ લાગી હોવાથી અંદર પ્લાય સહિતના સામાન ભળભળ સળગવા લાગ્યો હતો. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે જે ગઢવી અને લીડીંગ ફાયર મેન નરેશ પટેલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં ફાયરનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસારતા અટકાવી દીધી હતી. ફાયરની ટીમે સતત ત્રણ કલાક સુધી આગ ઓલવવાની કામગીરી કરતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકાવી દીધી હતી. આ અંગે ફાયર બ્રિગેડના નરેશ પટેલે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં અલગ અલગ ચેમ્બર આવેલી છે. જે પૈકીની ડ્રાઇંગ ચેમ્બરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ પર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો આગ વધુ પ્રસરી જાત અને મોટું નુકશાન થવાની સંભાવના હતી.


