કલોલ
આજકાલ લોકોને પોલીસનો ડર રહ્યો નથી બેફામ ચોરી, લુંટ કરી રહી છે અને જાણે પોલીસને ચેલેન્જ કરી રહી હોય તેમ જણાય છે ત્યારે ગાંધીનગરના કલોલ નજીક આવેલા મોટી ભોયણ ગામના બંધ ઘરનો નકુચો અને તાળા તોડી તસ્કર ટોળકી રૂ.૪.૩૧ લાખની માલમત્તા ચોરી પલાયન થઇ ગયા હોવાનો બનાવ સાંતેજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. તેમાં જણાવાયા મુજબ ઘરના કબાટમાંથી રૂ. ૩.૪૬ લાખના સોના-ચાંદીના દાગીના અને ૮૫ હજારની રોકડની ચોરી થવા પામી છે. ફરિયાદના આધારે પોલીસે તસ્કર ટોળકીનું પગેરૂ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે કલોલના બોરીસણામાં રહેતા દિનેશભાઇ દરજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિનેશ દરજી મોટી ભોયણ ગામે મકાન ધરાવે છે અને ત્યાં તેઓ અને તેમના પિતા હરગોવનભાઇ દરજી કામ કરે છે. તેમના પિતા તા. ૨૯ જુલાઇના રોજ દરજી કામ પતાવી ઘરને તાળા મારી સાંજે બોરીસણા ખાતેના ઘરે ગયા હતાં. તે પછી બીજા દિવસે સવારે તેઓ મોટી ભોયણ ખાતેના ઘરે ગયા ત્યારે દરવાજાનો નકુચો અને અંદરના દરવાજાના તાળા તુટેલા જાેવા મળ્યા હતાં અને ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો. જેથી મારા પિતા હરગોવનભાઇએ ફોન કરી મકાનમાં ચોરી થઇ હોવાની જાણ કરતા હું ત્યાં પહોંચી ગયો હતો. ઘરમાં જઇને જાેતા અંદરના રૂમના તાળા તુટેલા હતા અને તિજાેરી પણ તુટેલી હતી. તપાસ કરતા કબાટમાં મુકેલા રૂ. ૩.૪૬ લાખના દાગીના અને ૮૫ હજારની રોકડ ચોરાઇ ગઇ હોવાનું જણાઇ આવ્યુ હતું. દિનેશભાઇ દરજીના મોટી ભોયણ ખાતેના મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૫૯ હજારની કિંમતના ૫૦૦ ગ્રામની ચાંદીના બે ચોરસા, રૂ. ૧,૦૬,૦૦૦ કિંમતનું બે તોલાનું મંગળસૂત્ર, ૧,૦૬,૦૦૦ કિંમતનું બે તોલા સોનાનું લોકીટ અને ૭૫ હજારની સોનાની ચેઇન મળી કુલ રૂપિયા ૩.૪૬ લાખના દોગીના અને ૮૫ હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા ૪.૩૧ લાખની માલમત્તા ચોરાઇ હતી.
