અમદાવાદ
ગાંધીનગરના કલોલ તાલુકાના ગણપતપુરામાં રહેતા ૩૦ વર્ષીય બ્રેઇનડેડ સંદિપ ઠાકોરનું ૨૭ માર્ચના રોજ માર્ગ અકસ્માત થયું હતુ. માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સાત દિવસની સધન સારવાર બાદ તેઓએ જીવન ટૂંકાવ્યું. તબીબો દ્વારા સંદિપભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં. સંદિપભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. પરિવારજનોને વિચાર-વિમર્શ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તબીબોને સંદિપભાઇના અંગોના દાન માટે સહમતિ દર્શાવવામાં આવી. ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાતા બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના એસઓટીટીઓ ની ટીમના કો-ઓર્ડિનેટર ડૉ.સંજય સોલંકી રીટ્રાઇવલ સેન્ટર અને રીટ્રાઇવલ પ્રક્રિયા વિશે વિગતવાર જણાવે છે કે, દર્દીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારથી લઇ શરીરમાં અંગોને જીવંત રાખીને બહાર કાઢવા સુધીની પ્રક્રિયા એટલે રીટ્રાઇવલ. બ્રેઇનડેડ દર્દીના અંગદાનની સંમતિ મળ્યા બાદ હ્યદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા અંગોને શરીરમાંથી કાઢવા માટે હોસ્પિટલના આઇ.સી.યુ. સેન્ટરમાં જ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર ની ટીમ ને કાર્યરત કરવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન સંલગ્ન જરૂરી ટેસ્ટ તેમજ અંગોને સારી અવસ્થામાં રાખવા માટે ની સારવાર કર્યા બાદ અંગોને કાઢવાની પ્રક્રિયા અલાયદા ઓપરેશન થીયેટરમાં હાથ ધરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬મી ડિસેમ્બર ૨૦૨૦થી ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર કાર્યરત થયું તે સમયથી ડૉ.સંજય સોલંકી સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી જયારે બ્રેઇનડેડ જાહેર થાય ત્યારે એસઓટીટીઓની ટીમના કાઉન્સેલર્સ દ્વારા પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપવામાં આવે છે. પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવતા શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારબાદ ટીમના અથાગ પરિશ્રમથી લોકોમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ આવી છે. કાઉન્સેલીંગ થી લઇ અંગોના રીટ્રાઇવલની કામગીરી અગાઉની સરખામણીએ વધુ સધન અને સરળ બની છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા દિવસ-રાત અંગદાન માટે અથાગ પરિશ્રમ કરવામાં આવે છે . જેના પરિણામે જ આજે ૧૫ મહિનામાં કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૪૮ અંગદાનમાં સફળતા મળી છે. જેનો સમગ્ર શ્રેય અંગદાતાઓના પરિવારજનો અને સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમના ફાળે જાય છે.
