ગાંધીનગર
ગાંધીનગરમાં જુની પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓ અને પગાર વધારા સહિતની માંગણીઓ લઈને નિવાસી આશ્રમ શાળાના કર્મચારીઓએ પણ સત્યાગ્રહ છાવણીએ વિના મંજૂરીએ ધરણા પ્રદર્શન કર્યુ હતું. જેથી પોલીસે ૫૦૦ જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી. રાજયના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જુની પેન્શન યોજનાની માંગણી સાથે સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે. ત્યારે ગુજરાત રાજ્યના કર્મચારી દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન પણ છેડ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની પાંચ મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા કર્મચારી મહામંડળના આગેવાનો સાથે બેઠક કરી હતી અને કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવી હતી. જાેકે, જુની પેન્શન યોજનાની માંગ પડતર રહેતા કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં યોજ્યા હતા. બીજી તરફ નિવાસી આશ્રમશાળાના કર્મચારીઓએ પણ વગર મંજુરીએ આજે સત્યાગ્રહ છાવણી ધરણા કર્યા હતા. આ કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ આપવા, શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણમાં ૪૨૦૦નો ગ્રેડ પે આપવા, આશ્રમશાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોની સળંગ નોકરી ગણવા, અલગ ગૃહપત્તિ, પુરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા, બદલીનો લાભ આપવા સહિત વિવિધ ૧૩ માંગણીઓ પડતર છે. છેલ્લા બે વર્ષથી આ પ્રશ્નની કોઇ નિવેડો નહીં આવતા આજે નિવાસી આશ્રમશાળાના કર્મચારીઓએ પણ પાટનગરમાં ધરણા યોજ્યા હતા. તાજેતરમાં ગાંધીનગરમાં ધરણા, રેલી કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છત્તા આંદોલનકારીઓ પોતાના પડાર પ્રશ્ન છુટાછવાયા આંદોલન ચલાવી રહ્યા છે. જુની પેન્શન યોજના અમલમાં મુકવાની માંગ સાથે કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા હતા. આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહતી. જેના પગલે પોલીસે ૫૦૦ જેટલા કર્મચારીઓની અટકાયત કરી લેવાઈ હતી.
