ગાંધીનગર
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર પર બાઝ નજર રાખી પરિણામલક્ષી કામગીરી કરવા આપવામાં આવેલી સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવનાં સીધા સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી એસ ક્રોસ કાર મહેસાણા કલોલથી અડાલજ થઈ અમદાવાદ તરફ જવાની છે. આ બાતમીને આધારે એલસીબીની ટીમે અડાલજ ત્રી મંદિર પાસે વોચ ગોઠવી દઈ બાતમી વાળી કારની કાગડોળે રાહ જાેવામાં આવી હતી. ત્યારે બાતમી વાળી કાર દૂરથી દેખાતા તેને ઉભી રહેવાનો ઈશારો કરાયો હતો. પરંતુ કારના ડ્રાઈવરે અમદાવાદ તરફ ટ્રાફિક વધુ હોવાથી કારને ગાંધીનગર તરફ વાળી દઈ પૂરપાટ ઝડપે દોડાવી મુકી હતી. આથી અગાઉથી જ તૈયારી સાથે ઉભેલી એલસીબીની ટીમે કારનો પીછો શરૂ કરી દીધો હતો. કારનો ડ્રાઇવર સરગાસણ ચાર રસ્તા થી ઘ – ૦ થઈ પથીકાશ્રમથી પેથાપુર ચોકડી તરફથી માણસા પોલીસ મથકની હદમાં પ્રવેશી ગયો હતો. જાેકે, એસીબીની ટીમે ફિલ્મી ઢબે કારનો સતત પીછો ચાલુ રાખ્યો હતો. ત્યારે પુધરા બસ સ્ટેન્ડ નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર ડ્રાઈવરે અથડાવી દીધી હતી. આ અકસ્માત થતાં કારમાંથી બે ઈસમો અત્રેના વનરાજી વિસ્તારમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે એલસીબીની ટીમ પણ અકસ્માત ગ્રસ્ત કાર સુધી પહોંચી ગઈ હતી. પોલીસ બન્ને ઈસમોનો પીછો કરવા લાગી હતી. જાેકે, એલસીબીની મેરેથોન દોડથી એક ઈસમ પકડાઈ ગયો હતો. જયારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો. એલસીબીએ તેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સુરેશ મોહનભાઈ સરગડા (રહે. ડોહુંવા, સિરોહી, રાજસ્થાન) તેમજ ફરાર ઈસમનું નામ નરપતસિંહ (ગીરવર, સિરોહી) હોવાનું જણાવ્યું હતું. જ્યારે અકસ્માતગ્રસ્ત કારની તલાસી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૩ પેટીઓ તેમજ ૧૬૦ નંગ છૂટક દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સુરેશની કડકાઈથી પૂછતાંછ શરૂ કરતાં ઉક્ત વિદેશી દારૂનો જથ્થો સિરોહી ગીરવરનાં અશોક ઉર્ફે અશ્વિન રૂપારામ પ્રજાપતિએ નરપતસિંહને કારમાં ભરી આપ્યો હતો. આ દારૂના જથ્થો ભરેલી કાર અમદાવાદ શાહપુરનાં અલ્તાફ કઠીયારાને અમદાવાદ રીંગ રોડ પહોંચી ફોન કરીને આપી દેવાની હતી અને તેમને નજીકની હોટલમાં રોકાણ કરવાનું હતું. વિદેશી દારૂનો જથ્થો ખાલી કર્યા પછી કાર અલ્તાફ પરત આપી જવાનો હતો. જે પહેલા જ એલસીબીના હાથે ઝડપાઈ જતાં વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ ૭.૭૦ લાખનો મુદામાલ જપ્ત કરી ઉક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.


