ઉનાના મોટા સમઢીયાળા ગામે રહેતા યુવાન ગીરગઢડા તરફથી પરત બાઈક ઉપર પોતાના ઘરે આવતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું કમકમાંટી ભર્યુ મોત નિપજ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોટા સમઢીયાળા ગામે રહેતા ધનજીભાઈ જાદવભાઈ ઝાલાવાડીયા ઉં.વ.40 તેવો ગીરગઢડા ખાતે કુટુંબિક લગ્ન પ્રસંગે ગયેલ હોય ત્યાથી પરત પોતાના ઘરે બાઈક પર આવતા હતા. ત્યારે ઈટવાયા- ખીલાવડ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ધડાકાભેર હડફેટે લેતા બાઈક ફંગોળા જતા બાઈક સવાર ધનજીભાઈ રસ્તાની સાઈડમાં પટકાતા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. અને અજાણ્યાં વાહન ચાલકે અક્સ્માત સર્જી નાશી છૂટ્યો હતો. આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા લોકોને અકસ્માતનો અવાજ આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ. અને ઈમરજન્સી 108 ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ પરંતું સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
ઉના સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરેલ અને આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયેલ હતા. આ અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ બાબતે મૃતકનાં ભાઇએ ગીરગઢડા પોલીસમાં અજાણ્યાં વાહન ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે. જોકે અજાણ્યાં વાહન ચાલકે હિટએન્ડ રન કરી નાશી છુટતા પોલીસે વાહન ચાલકની તપાસ કરી રહી છે..