*વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ*
ગિરગઢડા
ભરત ગંગદેવ…
વિદ્યાર્થીઓની કારર્કિદી માટે મહત્વની ગણાતી ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાના આયોજનની ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓની રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી.
ગાંધીનગર ખાતેથી મંત્રીશ્રીએ આ પરીક્ષાઓ સુચારૂ રીતે સંપન્ન થાય તે સંદર્ભે દિશાનિર્દેશ આપતા જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી પરીક્ષાઓ હોય છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાના દબાણમાં ન આવે અને માનસિક તણાવ ન અનુભવે તેના માટે તમામે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા “જીવન આસ્થા” નામની ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે ટોલ ફ્રી નંબર 18002335500 પર વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરી ને દબાણ અને ચિંતાથી મુક્ત કરવાનું કાર્ય કરશે. આ સાથે પરીક્ષાઓ ગેરરિતી મુક્ત થાય તેના માટે સંપૂર્ણ સજ્જતાથી કાર્ય કરવા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને મંત્રી શ્રી વાઘાણી નિર્દેશ કર્યા હતા.
કોઈ પરીક્ષા કેન્દ્ર ગેરરીતિમાં સંડોવણી સામે આવે તો એક લાખથી વધુનો દંડ સાથે કેન્દ્ર રદ કરવાં ઉપરાંત પણ આંકરા પગલાઓ લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ કેસોમાં પોલીસ તંત્રને પણ સી.આર.પી.સી કલમો હેઠળ ગુનો નોંધવા તેમણે નિર્દેશ કર્યા હતા.
જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના સચિવશ્રીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાના સમયે અસામાજિક તત્વો પેપર લીક થયું છે, તેવી અફવાઓ ફેલાવે તેવી શક્યતાઓ હોય ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપે તેવી સમજાવટ કરવા પણ શિક્ષણ અને પ્રસાર માધ્યમોથી જાગૃત કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એ.ડોડીયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એચ.કે.વાજા, એસ.એસ.સી ઝોનલ અધિકારી એન.ડી.અપારનાથી, એચ.એસ.સી ઝોનલ અધિકારી એસ.વી.ડોડીયા, એસ.એસ.સી ઉના ઝોનલ અધિકારી વી.બી.ખાંભલા, સહિતના અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.


