સુજલામ્ સુફલામ્ જળ અભિયાન થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના ઈન્દ્રોય ગામેથી પાંચમાં તબક્કાના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૨નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ જળ ઉંચા લાવવાના શુભ આશય સાથે શરૂ કરાયેલ આ રાજ્યવ્યાપી અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં તળાવો ઉંડા કરવા, જળાશયનુ ડિસીલ્ટીંગ, નદીઓના કાંસની સાફ-સફાઈ, ચેકડેમ રિપેરિંગ સહિતના જળસંચયના કામો હાથ ધરવામાં આવશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહીલ સહિતના મહાનુભાવોએ વેરાવળના ઈન્દ્રોય ગામના તળાવને ઉંડા કરવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ તળાવ અંદાજિત રૂ.૪ લાખના ખર્ચે ઉંડુ ઉતારવમાં આવશે. આ કામથી અંદાજે ૧૫,૦૦૦ ઘન મીટરથી વધારે માટી-કાંપ બહાર કાઢવામાં આવશે. જે ખેડૂતોની જમીન ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ બનશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યું કે, જળ સંચય અને જળ સંગ્રહથી દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ ટળી જશે. આ અભિયાન થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. ખોદકામ તથા ડિસીલ્ટીંગ કામગીરીથી નીકળેલા માટી-કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમા થતા જમીન પોષણક્ષમ અને ફળદ્રુપ બની છે.
રાજ્ય સરકારની કલ્યાણકારી નિતીનો ઉલ્લેખ કરતા સાસંદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, આધુનિક સુશાસનની સંકલ્પના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સાશનકાળમાં ચરિતાર્થ થઈ હતી. ખેડૂત અને જનતાલક્ષી સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓ દ્વારા ગુજરાતના છેવાડાના દરિયા કિનારાના ખારા પટ્ટ વિસ્તારના ખેડૂતો અને સામાન્ય લોકો માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી શક્ય બન્યું છે.
આ પ્રસંગે પુર્વ મંત્રી જશાભાઇ બારડ અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારે તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામોનો ઉલ્લેખ કરવાની સાથે ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સીઝનમાં પાક લેતો થયો છે. તેમ ભારભૂર્વક જણાવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહીલે જણાવ્યું હતું કે, ગત વર્ષે અંદાજીત ૩૫૦ જેટલા કામો સુજલામ સુફલામ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા હતા. જેમા આ વર્ષે વધારો કરવામાં આવનાર છે. તેમજ આ અભિયાન થકી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે. જેના લીધે ભુગર્ભ જળ સ્તર ઉંચુ આવશે. સુજલામ -સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવાં સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જન અભિયાન છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે શાબ્દીક સ્વાગત અને પ્રાથમિક માહિતી સિંચાઇ વિભાગના અરવિંદભાઇ કલસરીયાએ આપી હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, અગ્રણી વિક્રમભાઇ પટાટ, બચુભાઇ વાજા, સરપંચ કાનાભાઇ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, વન વિભાગના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


