Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

*લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ કીટ અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ચાવીની પ્રતિકૃતિ સોંપવામાં આવી*
———
સંકલન- રવી ત્રિવેદી, સહાયક માહિતી નિયામક, ગીર સોમનાથ
ફોટોઝ – સાજીદ કાઠી, જિલ્લા માહિતી કચેરી, ગીર સોમનાથ
          ગીર સોમનાથ. તા ૧૮: ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ.૨૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાનો કાર્યક્રમ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’, ’પોષણ સુધા યોજના’ અંતર્ગત કીટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રતિકૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું.
        આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું હતુ કે, રાજ્યમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકાર યોજના અમલી છે ત્યારે સોમનાથમાં પણ રૂ.૧૫૭ કરોડના ખર્ચે રેલ્વેસ્ટેશનના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે દર્શાવે છે કે આજે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આજની સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે. જેથી જ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે. આવી તો મહત્તમ યોજનાઓ સરકારે લોકોના ઘરઆંગણા સુધી પહોંચાડી છે. જેથી સમગ્ર દેશના અને ગુજરાતના લોકોએ ભેગા થઈ વડાપ્રધાન શ્રીના ‘મજબૂત ભારત અને વિકાસશીલ ભારત’ને સાકાર કરવા તન-મનથી પ્રયત્ન કરવો જોઇએ.
        પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ વિકાસશીલ ગતી કરી રહ્યું છે. આ ડબલ એન્જિનની સરકાર પૂર ઝડપે કામ કરતી સરકાર છે. વિકાસના કાર્યો કરવા બદલ હું વડાપ્રધાન શ્રીને અભિનંદન આપું છું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા અને વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ પણ ઉપસ્થિત સૌને  કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓથી માહિતગાર કર્યા હતા અને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઉપરાંત આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લામાં 914 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેની પ્રતિકૃતિ રૂપે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ લાભાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી અને બહોળા પ્રમાણમાં લોકો વડાપ્રધાન શ્રીના વર્ચ્યુલી લોકાર્પણ કાર્યક્રમના સાક્ષી બન્યા હતાં.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા, જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રી એસ.જે.ખાચર સહિત અધિકારીઓ, અગ્રણીઓ વિક્રમભાઈ પટાટ, બચુભાઈ વાજા સહિત બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ તેમજ સામાન્યજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *