ગિરગઢડા
ભરત ગંગદેવ
એક એવી સ્કૂલ જેના પ્રાંગણમાં પગ મૂકતાં જ આંખો સમક્ષ હરિયાળી જ હરિયાળી છવાઈ જાય છે. લીલીછમ વનરાજી વચ્ચે શાળાના પ્રાંગણમાં બાળકોને ધિંગામસ્તી કરતાં જોઈ મોં પર સ્મિત રેલાઈ જાય છે. આ સ્કૂલમાં રિશેષ સમયે પણ શિક્ષકો બાળકોમાં ઓતપ્રોત થઈ શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરતાં જોવા મળે છે. આ સ્કૂલ એટલે તાંતીવેલાની પ્રાથમિક શાળા. આ શાળામાં ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓની દબદબાભેર ‘અડધી સદી’ નોંધાઈ હતી. જેમાં સ્કૂલના આચાર્યના દીકરા સહિત ૫૩ બાળકોએ ઉલ્લાસપૂર્વક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.
પ્રવેશોત્સવ નિમિત્તે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મનુષ્યની જિંદગીમાં ભણતરનું ખૂબ જ મહત્વ છે. ભણતર વગર માણસ શૂન્ય છે. ભણતર સાથે જ રમતગમત પણ વિદ્યાર્થી જીવનમાં એટલા જ જરુરી છે. રમતગમતથી શારીરિક વ્યાયામ થાય છે અને ટીમ સ્પિરિટ અને લીડરશીપ જેવા ગુણો પણ વિકસે છે. પહેલા સુવિધાઓ થોડી હતી પણ હવે સરકાર દ્વારા શાળાઓને સુવિધાઓ પણ મળતી થઈ છે. વિદ્યાર્થીઓની અગવડતા દૂર કરવા સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે. કોઈપણ બાળક શિક્ષણ વગરનું ન રહી જાય તે માટે તેમણે ગ્રામજનોને ભારપૂર્વક અપીલ કરી હતી. આ તકે તેમણે સ્કૂલનું નિરિક્ષણ કરી અને ટ્રાન્સપોર્ટેશન વાહનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
નોંધનીય છે કે, પ્રવેશોત્સવમાં ચાલુ વર્ષે સ્કૂલમાં ૨૪ કુમાર અને ૨૯ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો છે. સ્કૂલની સિદ્ધિની વાત કરીએ તો તાંતીવેલા પ્રાથમિક શાળા ગુણોત્સવમાં પણ A ગ્રેડ લાવતી શાળા બની છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત બે વર્ષથી એક જ શાળાના ૩-૩ વિદ્યાર્થીઓનું એકસાથે જવાહર નવોદય વિદ્યાલયમાં સિલેક્શન થયું છે. કુલ ૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. ખેલ મહાકુંભમાં પણ પ્રાથમિક શાળાઓના વિભાગમાં સતત ત્રણ વર્ષથી તાંતીવેલા પ્રાથમિક શાળા તાલુકામાં પહેલો નંબર લાવતી શાળા બની છે.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, ગ્રામસરપંચ શ્રીમતી ડાયબેન લખમણભાઈ ચોપડા, તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપુરા, આચાર્ય રમેશભાઈ રામ, પૂર્વ સરપંચ , આદિત્ય બિરલા ઈન્ડિયન રેયોન કંપની જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ વાલીઓ, ગ્રામજનો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


