નવીદિલ્હી
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સપ્ટેમ્બરમાં શરૂ થઈ રહેલી ચાર દિવસની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલને કેપ્ટનની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિ ચેતન શર્માની અધ્યક્ષતામાં સોમવારે બેઠક કરશે અને ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે ટેસ્ટ તથા વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરશે. પ્રિયાંક પંચાલે અગાઉ દક્ષિણ આફ્રિકાના એ ટીમના પ્રવાસ દરમ્યાન કેપ્ટનશિપ કરી હતી જેને પગલે તેને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ પૂર્વ ભારતીય કેપ્ટન અજિંક્યા રહાણેને દુલીપ ટ્રોફીથી કમબેક કરી શકે છે. આઈપીએલમાં રહાણે ઈજાગ્રસ્ત થયા બાદ તેને આકરા રિહેબિલિટેશનમાં રાખવામાં આવ્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમમાંથી રહાણેને પડતો મુકાયા બાદ તેની આંતરાષ્ટ્રીય કારિકિર્દી જાેખમમાં મુકાઈ ગઈ હતી. આ બાબતથી વાકેફ ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રહાણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ નથી રમ્યો એટલા માટે પસંદગીકારો તેને સીધો ભારતીય એ ટીમમાં સામેલ નહીં કરે કારણ કે સારું પ્રદર્શન કરનાર અન્ય ખેલાડીઓ પણ હાલ ટીમમાં તક માટે રાહ જાેઈ રહ્યા છે. મારા મતે તે દુલીપ ટ્રોફીમાં પશ્ચિમ ક્ષેત્ર માટે રમી શકે છે અને ત્યારબ આગળનો ર્નિણય થઈ શકે છે તેમ બોર્ડના એક અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસ માટે રહાણે ટીમનો હિસ્સો નથી. જાે રણજી સિઝનમાં તેનો દેખાવ સારો રહેશે તો તેનાથી ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે યોજાનાર શ્રેણીથી તે વાપસી કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગતો મુજબ રહાણેએ મુંબઈ તરફથી પૂરી ડોમેસ્ટિક સિઝન રમવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેણે નેતૃત્વ કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.
