અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના શતાબ્દી વર્ષની ૨૦૨૫ની સાલમાં ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો છે. આના ભાગરુપે જ અમદાવાદના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સંઘની ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિ બેઠક યોજશે. ૧૧થી ૧૩ માર્ચ સુધીની આ બેઠકમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરસંઘચાલક મોહન ભાગવત સહિત દેશભરના અલગ અલગ રાજ્યના સંઘના હોદ્દેદારો હાજર રહેશે. ગુજરાત અને સંઘનો નાતો ૮૪ વર્ષ જૂનો છે અને હવે તો ગુજરાત એ સંઘ માટે રાષ્ટ્રીય સ્તરના કોઈપણ પ્રયોગના લિટમસ ટેસ્ટની લેબોરેટરીની ગરજ સારે છે. ગુજરાતમાં સંઘના કાર્યનો પ્રારંભ ૧૯૩૮ના સાલથી થયો હતો. વડોદરાના ગોખરુ મેદાનમાં સંઘની સૌપ્રથમ શાખાની શરૂઆત થઈ હતી. નાગપુરથી ગોપાલરાવ ઝીંઝર્ડે નામના એક તરુણ સ્વરયંસેવકે વડોદરામાં કલાભવનમાં અભ્યાતસ નિમિત્તે આવી આ શાખાનો શુભારંભ કર્યો હતો. ગુજરાતના ૮૦૦થી વધુ સ્થાનોમાં સંઘની ૧૫૦૦થી વધુ શાખાઓ છે અને એક લાખથી વધુ કાર્યકરો છે. જ્યારે દેશભરમાં આજે સંઘની ૭૦ હજારથી વધુ શાખાઓ છે. રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘે ભાજપને અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના મોટા ગજાના નેતાઓ આપ્યા છે. એમાં પણ ગુજરાતની વાત કરીએ તો કેશુભાઈ પટેલ, સંજય જાેશી, વિજય રુપાણી જેવા નેતાઓ પણ સંઘના સ્વયંસવેક રહ્યા છે. ગુજરાતમાં ૨૬ વર્ષથી ચાલી રહેલી ભાજપની એકધારી સત્તામાં સંઘનું વિશેષ યોગદાન રહેલું છે. ભાજપના પ્રદેશ મહામંત્રીથી દેશના વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની સફરમાં સંઘના સંસ્કારનું વિશેષ સિંચન રહેલું છે. ગુજરાતમાં વર્તમાનમાં ૮૦૦થી વધુ સ્થાનો પર સંઘની ૧૫૦૦થી વધુ શાખા, ૯૭૫ સાપ્તાહિક મિલન, ૫૫૦ સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં આરએસએસના સેવાકાર્યો માટેના ૨,૪૪૨ પ્રકલ્પો ચાલે છે, જે વ્યક્તિનિર્માણ અને સમાજનું સંગઠનનું કામ કરે છે. સંઘના પ્રચારક બનવા સ્વયંસેવકે ૩ વર્ષ માટે ઓટીસી એટલે કે અધિકારી તાલીમ શિબિરમાં ભાગ લેવો પડે. જ્યારે બ્રાંચ હેડ બનવા આઈટીસી એટલે કે પ્રશિક્ષક તાલીમ શિબિરમાં ૭થી ૧૫ દિવસ સુધી ભાગ લેવો પડે છે. સંઘના પ્રચારકે અપરિણીત રહેવું પડે.
