Gujarat

ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની મુદ્દતમાં બે મહિનાનો વધારો

અમદાવાદ
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યમાં વહેલી ચૂંટણીના સંકેતો મળી રહ્યા છે. ૧૯૮૫ની બેચના આશિષ ભાટિયા મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, તેમની જગ્યા અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પોલીસ વડા બનવાનું નિશ્ચિત હતું. પરંતુ હવે તેમને પોલીસ વડા બનવામાં સમય લાગશે અને હવે ભાટિયાના વડપણ હેઠળ ૨૦૨૨ની ચૂંટણી પુરી થાય તેમ લાગી રહ્યું છે. પોલીસ વડાનો કાર્યકાળ ઓછામાં ઓછો બે વર્ષ હોવો જરૂરી હોવાથી આશિષ ભાટીયાને બે મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આમ તેઓ એપ્રિલ અને મે મહિના સુધી રાજ્ય પોલીસ વડા તરીકેની જવાબદારી નિભાવશે. આ અગાઉ આશિષ ભાટિયા સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસ વડા પદેથી હટવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે તે સમયે તેમની આ વાતને નકારી દીધી હતી.પરંતુ હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસ વડાની અટકળો પર હાલ પુરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે. આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, રેલવેના ડીજીપી અને સીઆઈડી ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૮૫ બેચના આઈપીએસ આશિષ ભાટિયા વર્ષ ૨૦૦૧માં પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૧માં પ્રેસિડેન્ટ મેડલ મેળવી ચુક્યા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમના માસ્ટર ગણવામાં આવે છે. ગુનામાં આરોપીઓની સાતથી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવાની તેમની આગવી ઢબ છે. જ્યારે પણ પૂછપરછ રૂમની બહાર આવે ત્યારે કેસમાં કોઈ નવો જ વળાંક હોય અને કેસ ઉકેલવા તરફ જાય તેવી માહિતી ગુનેગાર પાસેથી મેળવી લે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં પણ તેઓ કુનેહ ધરાવે છે. આશિષ ભાટિયાએ વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ માત્ર ૧૯ દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. ૨૬ જુલાઈ ૨૦૦૮માં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાેઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને એસઆઈટીની આખી ટીમે ભેગા થઈને બલાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલી નાખ્યો હતો. ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા. વર્ષ ૨૦૦૮માં જ લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે પણ આખો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાયા હતા. આશિષ ભાટિયા વર્ષ ૨૦૧૬માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. બાદમાં સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના વડા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૮માં બિટકોઈન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં મોટા પોલીસ અધિકારીઓ(જગદીશ પટેલ) અને પૂર્વ ધારાસભ્ય(નલિન કોટડીયા)ની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ સીઆઈડી ક્રામને સોંપવામાં આવતા પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય સહિત તમામ લોકોને ઝડપી આખા બિટકોઈન કૌભાંડનું પગેરું બહાર લાવવામાં આવ્યું હતું. ૨૦૧૯માં ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં રેલવેઝના તત્કાલિન વડા આશિષ ભાટિયાએ એક એસઆઈટી બનાવી હતી અને ટીમોએ ગણતરીના દિવસોમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લઈ કેસ ઉકેલ્યો હતો. આ મામલે એસઆઈટીએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *