ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને UP ના ગવર્નર આનંદીબેન પટેલની ભરૂચના ઝાડેશ્વર ખાતે ઓચિંતી મુલાકાતે વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. જોકે મીડિયા સમક્ષ આનંદીબેન પટેલે કઈ પણ કહ્યું ન હતું માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ જોર પકડી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આપ સાથે BTP, લોકજન શક્તિ પાર્ટી સહિત ધીમે ધીમે સક્રિય થઈ છે. એવામાં પૂર્વ મુખ્યમંત્રીની ભરૂચમાં સૂચક એન્ટ્રીએ ભરૂચમાં રાજકારણમાં ઉત્સુકતા વચ્ચે હલચલ જગાવી દીધી છે.
ગુજરાત રાજ્યના પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ભરૂચની મુલાકાતે આવી ચઢ્યા હતા. ઝાડેશ્વર ગામના જમકુ પાપડથી ઓળખાતા શૈલાબેન પટેલની પાપડની ફેક્ટરી પર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.કારણ કે શૈલાબેન પટેલ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટના દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.
જોકે પૂર્વ CM અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલે માત્ર આને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેઓ સુરત પોતાની દીકરી અનાર પટેલના એક્ઝિબિશનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા અને ઊડતી મુલાકાત લીધી હતી. આ અંગે તેમને મીડિયાને સત્તાવાર કોઈ પણ નિવેદન આપ્યું ન હતું. પણ તેમની સૂચક હાજરીએ ભાજપ સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.


