ગાંધીનગર
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે કેબિનેટ મંત્રીઓ પાસેથી મહત્ત્વના ખાતા આંચકી લેવાયા બાદ હવે મંત્રીઓ સામેનો આક્રોશ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. અનેક ધારાસભ્યો દ્વારા પણ પૂર્ણેશ મોદી સામે પાર્ટીમાં ફરિયાદ કરાઇ હોવાનું બહાર આવ્યું છે. અગાઉની સરકારમાં માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિન પટેલે ધારાસભ્યોને તેમના વિસ્તારમાં રસ્તાના કામો માટે જાેબ નંબર ફાળવ્યા હતા તેની મંજૂરી પૂર્ણેશ મોદીએ સત્તામાં આવ્યા બાદ અટકાવી દીધી હતી. જેમને રસ્તાના કામો મંજૂર કરાવવા હોય તે ધારાસભ્યોએ પૂર્ણેશ મોદીને રૂબરૂ મળવું પડતું હતું અને રજૂઆત કર્યા બાદ જ જાેબનંબરની મંજૂરી અપાતી હતી. ધારાસભ્યો માટે તેમના વિસ્તારમાં રસ્તાના કામો, નવા રસ્તાની મંજૂરી ખુબ અગત્યની હોય છે. જેના કારણે ધારાસભ્યોને માર્ગ અને મકાન વિભાગ સંભાળતા મંત્રીને અવારનવાર મળવું પડતું હોય છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધારાસભ્યોને તેમના વિસ્તારમાં રસ્તાના કામો માટે જાેબ નંબર ફાળવ્યા હતા. સરકાર બદલાઇ તે પછી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પૂર્ણેશ મોદીને સોંપવામાં આવ્યો હતો. તેમણે અધિકારીઓને આ જાેબનંબરની મંજૂરી તાત્કાલિક અટકાવવા સૂચના આપી હતી. જેના કારણે ધારાસભ્યોના કામ અટવાઇ ગયા હતા. જાેબનંબર ફાળવી દેવાયો હોવાથી ધારાસભ્યોએ તેમના વિસ્તારમાં જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ મંજૂરી અટકાવી દેવાતા તેમની હાલત કફોડી બની ગઇ હતી. જાેબનંબરની મંજૂરી માટે ફરી ધારાસભ્યોએ પૂર્ણેશ મોદીની મુલાકાત લેવી પડી હતી. જે ધારાસભ્યો પૂર્ણેશ મોદીને મળે તેમને જાેબનંબરની મંજૂરી આપવાની સૂચના વિભાગને મળતી હતી. આ સિસ્ટમના કારણે અનેક ધારાસભ્યોમાં નારાજગી વ્યાપી હતી અને ફરિયાદો પાર્ટી સુધી પહોંચી હતી. રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓના વિસ્તારના જાેબ નંબરની મંજૂરી પણ અટકાવી દેવાઇ હોવાથી તેમને પણ પૂર્ણેશ મોદી સાથે મુલાકાત કરવી પડી હતી. હવે માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યો છે. જ્યારે રાજ્યકક્ષાનો હવાલો જગદિશ પંચાલને સોંપવામાં આવ્યો છે.


