નડિયાદ
નડિયાદ એસસીબી પોલીસના માણસો ગઈકાલે મંગળવારે રાતે આઠ વાગ્યાની આસપાસ પોતાની કચેરીમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક નંબર વગરની સ્વીફ્ટ કાર દારૂનો જથ્થો લઈ આવી વડોદરા તરફ જવાની છે. જેથી પોલીસના માણસો સરકારી અને ખાનગી વાહનો મારફતે રધવાણજ ટોલનાકાથી થોડે દૂર નડિયાદ તરફ ઊભા હતા. આ દરમિયાન આશરે સવા નવ વાગ્યાની આસપાસ પોલીસે વર્ણન વાળી કારને આડસ કરી અટકાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ કાર ચાલક નાકાબંધી તોડી નડિયાદ તરફ ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેના બાદ કાર ચાલકે નરસંડા ચોકડીથી વડતાલ અને વડતાલ ગામેથી પરત નરસંડા ચોકડી પોલીસને થાપ આપવા ફેરવ્યા હતા. પરંતુ સતત પીછો કરી રહેલી પોલીસે અંતે આ કારને નડિયાદના ગુતાલ ગામની સીમમાંથી અટકાવી હતી. રસ્તો પુરો થતાં કારને લોક મારી ભાગવા જતાં બે લોકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જેમાં તેઓ રાજસ્થાનના સાંચોરના કમલેશ કિશનલાલ બિસનોઈ અને સુરેશ બાબુલાલ બિસનોઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંન્ને ઈસમોને સાથે રાખી તલાશી લેતાં કારમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ રૂપિયા ૯૬ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે પુછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે રાજસ્થાનના સાંચોર ખાતે રહેતો અને દારૂનો વેપલો કરતો બુટલેગર ભવરલાલ ઉર્ફે મુન્સી ઉર્ફે સૌરભ ઉર્ફે રોહીત બિસનોઈએ ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ઉપરોક્ત બંન્ને પરપ્રાંતિય ઈસમો સહિત દારૂનો જથ્થો મોકલનાર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. સાથે સાથે આ ગુનામાં વપરાયેલી કાર અને આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪ લાખ ૧ હજાર ૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ખેડા જિલ્લામાં દારૂનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે. પોલીસ દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડે છે. તો પણ બુટલેગરો બેખોફ બની આ વેપલો કરી રહ્યા છે. નડિયાદના ગુતાલ પાસેથી પીછો કરેલ સ્વીફ્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂ સાથે બે પરપ્રાંતિય ઈસમોને ઝડપી લેવાયા છે. નવાઈની વાત તો એ છે કે પોલીસને થાપ આપવા આરોપીઓએ ઘણી કાર દોડાવી પોલીસને ગોળ ગોળ ફેરવ્યા પણ આરોપીઓ સફળ ન થયા અને છેલ્લે દારૂના જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પોલીસે ૯૬ હજારના દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪ લાખ ૧ હજાર ૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ દારૂના પ્રકરણમાં જથ્થો મોકલનાર બુટલેગરનું પણ નામ ખુલ્યું છે.


