પંચમહાલ
ચૂંટણીની જાગૃતિને લઈને ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ રેલીને પ્રસ્થાપન કરવા માટે કોલેજના વિવિધ અધ્યાપકોએ આહવાન કર્યું હતું. જેમાં ફિઝિક્સના પ્રોફે. પ્રવીણ મિસ્ત્રી, બોટની વિભાગના ડો.વંદના વ્યાસ, કેમેસ્ટ્રી વિભાગના ડો. અંકિતા ભલુ, ગુજરાતી વિભાગના ડો.પદ્મા પટેલ ઉપરાંત વહીવટી વિભાગમાંથી બચુભાઈ રાઠવા ખાસ હાજર રહ્યાં હતા. અધ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને મતદાન જાગૃતિ અંગે જાણકારી આપી હતી. આ રેલી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી નીકળીને ગાંધી આશ્રમ સુધી ગઈ હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ “મતદાન એ જ મહાદાન”, “મત આપીશું લોકશાહીને મજબૂત બનાવીશું” જેવા નારાઓ લગાવ્યા હતા અને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગાંધી આશ્રમ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી આશ્રમના કેરટેકર કાંતિભાઈએ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ રેલીમાં કોલેજના કેમ્પસ એમ્બેસેડર નિતેશ વિનોદ અને અનુષ્કા પરમાર ઉપરાંત ગ્રુપ લીડર તરીકે સિદ્ધાર્થસિંહ સોલંકી જાેડાયા હતા. સમગ્ર રેલીનું સંચાલન બોટનીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.રૂપેશ એન નાકર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. એમ.બી.પટેલે વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિના સુંદર કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ અને એનએસએસ વિભાગ દ્વારા વધુને વધુ આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ થશે તે અંગે ખાતરી આપી હતી.


