બારાબંકી
જિલ્લાના રેરિયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ પરિવારના હુક્કા અને પાણીને માત્ર એટલા માટે બંધ કરી દેવામાં આવ્યું કારણ કે તેઓએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. હવે આ પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, પરિવારનો કોઈ સભ્ય મસ્જિદમાં નમાઝ પણ અદા કરી શકતો નથી. તેમજ પરિવારમાં છોકરાના લગ્ન છે અને લગ્નમાં સામેલ થનારને ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ પરિવારનો આરોપ છે કે, આ બધું સરપંચ અને ગામના કેટલાક લોકોના કારણે થઈ રહ્યું છે. આ જ લોકોએ આ આદેશ જાહેર કર્યો છે. તો, પોલીસનું કહેવું છે કે, આ મામલો સંજ્ઞાન હેઠળ છે અને તપાસ કરવામાં આવી રહી છે, બંને પક્ષોને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે. તો, પીડિત પરિવારનો આરોપ છે કે, ગામમાં દુકાનમાંથી સામાન લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પુત્રના લગ્ન ૩૧મીએ છે, પરંતુ સરપંચે બધાને લગ્નમાં ન આવવા, મંડપ ન લગાવવાનો આદેશ આપ્યો છે. જાે કોઈ આવું કરશે તો તેને દંડ કરવામાં આવશે. પરિવારનો આરોપ છે કે, સરપંચ સહિત કેટલાક લોકો તેમની એક જમીન મદરેસા માટે આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા તેમણે જમીન ખરીદી હતી. આ જમીન મદરેસા માટે લેવા માટે તેમના પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પણ સમાધાન માટે સતત દબાણ કરી રહી છે. બીજી તરફ એસઓ અનિલ કુમાર પાંડેનું કહેવું છે કે, આ બાબત ધ્યાન પર આવી છે અને સંબંધિત બીટ ઈન્ચાર્જને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. પાંડેએ કહ્યું કે, બંને પક્ષોને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.