સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ચૂંટણીના ચમકારા.. મતદારની મતદાન કરવા માટે પણ અવનવી ઝલક જોવા મળી. કોઈ સાયકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા નીકળ્યા, તો કોઈની મતદાન પહેલાં પછી લગ્ન વેદી પર જવાની ઝલક, કોઈ વ્હીલચૅર પર તો કોઈ લાકડીના ટેકે, કોઈ બળદગાડીમાં સવાર થઈને તો કોઈ ઢોલનગારા સાથે વાજતે ગાજતે ફટાકડા ફોડી લગ્ન જેવો પ્રસંગ સમજીને મતદાન કરવા નીકળ્યા, કોઈ નવજાત શિશુને જન્મ આપ્યાના એક બે દિવસ થયાં હોય તેવા મહિલા પણ મતદાન કરવા નીકળી પડ્યા.. આવા તમામ અવનવા દ્રશ્યો મતદાન વેળા સર્જાયા હતા તો પણ સરવાળે અમરેલી જિલ્લામાં મતદાન અંદાજીત છપ્પન ટકા જેવું થયું અર્થાત્ અંદાજે ચુંમાલીસ ટકા જેટલા મતદારોએ મતદાન કરવા માટે નિષ્ક્રિયતા દર્શાવી એટલે કે મતદાન કરવાથી અળગા રહ્યા..આમ લોકતંત્રમાં લોકો મતદાન કરવામાં નિરસતા દાખવે એ તમામ રાજકીય પક્ષો માટે ગહન ચિંતનનો વિષય તો અવશ્ય ગણાય. મતદારોની નારાજગી ક્યા કારણોસર છે? તે શોધવા માટે તમામ રાજકીય પક્ષો કે અપક્ષોએ આત્મમંથન કરવું જોઈએ અને આ નારાજગીનો ઈલાજ શું હોય શકે? એ દિશામાં ઠોસ પ્રયાસો વેગવંતા કરવા જોઈએ..
