Gujarat

ચૂંટણી પ્રચાર માટે પરમીટ વગરના વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે રાજકીય પક્ષ તથા ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનો ઉપર દેખરેખ રાખવા અને વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય એ જાહેરનામું બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇ પણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાયેલા વાહન માટે અરજી કરી પરમીટ મેળવી લેવાની રેહેશે. અસલ પરમીટ જ વાહન ઉપર સહેલાઇથી દેખાય આવે એ રીતે વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઇ પણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહીં. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓની મંજુરી રજૂ કરવાની રહેશે.
કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓ વિગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઇ પણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલિકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ જાહેર નાણાનો જરાપણ હિસ્સો હોય તેવી કોઇ પણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.
ઉમેદવારે ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા આવતી વખતે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં વધુમાં વધુ ત્રણ વાહનો લાવી શકશે તથા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના રૂમમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવાર સહિત અન્ય ૪(ચાર) એમ વધુમાં વધુ ૫ (પાંચ) વ્યક્તિઓએ જ પ્રવેશવાનું રહેશે. ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઇ પણ સંજોગોમાં રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે પ્રચાર માટે કાફલામાં સિકયુરીટી વાહનો સિવાયના ૧૦થી વધુ વાહનો એકીસાથે લઇ જઇ શકશે નહીં તેવું ઠરાવેલ છે. આથી ચૂંટણી આયોગના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાન કરવામાં આવ્યું છે કે, ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં સિકયુરીટી વાહનો સિવાય એકી સાથે ૧૦થી વધુ વાહનો લઇ જઇ શકાશે નહીં.
ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનો બે, ત્રણ અને ચાર વ્હીલવાળા રહેશે. ચાર વ્હીલવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધુ બેસી શકશે નહીં.
રાજકીય પક્ષો/ઉમેદવારોએ આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારને તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જણાવ્યું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *