છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં જિલ્લામાં કાર્યરત મતદાર સાક્ષરતા કલબ્સને માર્ગદર્શન મળી રહે એ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપમાં ઉપસ્થિત મતદાર સાક્ષરતા કલબ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને આચાર્યોને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાર સાક્ષરતા કલબ અને કેમ્પસ એમ્બેસેડરો દ્વરા કરવાની થતી કામગીરી બાબતે તેમણે જણાવ્યું હતું કે, અઢાર વર્ષથી ઉપરની વયનો કોઇ પણ નાગરિક મતદાર યાદીમાં નામ નોંધાવ્યા વગર રહી ન જાય એ માટે આપ સૌએ આપની શૈક્ષણિક સંસ્થામાં જ નહીં પરંતુ બહાર પણ જાગૃતિ આવે એવા પ્રયાસો હાથ ધરવા પડશે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારોની ભાગીદારી વધે તથા સ્થળાંતરિત મતદારો ચૂંટણી સમયે મતદાન કરવા માટે આવે એ માટે પણ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
છોટાઉદેપુર પ્રાંત અને ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિમલ ચક્રવર્તીએ મતદાર સાક્ષરતા કલબ દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિગતે જાણકારી આપી આગામી સમય દરમિયાન મતદાર સાક્ષરતા કલબ દ્વારા આગામી સમયમાં કરવાની થતી સ્વીપ એકટીવિટીઝ અંગે ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા કાર્યક્રમ અંગે વિગતે છણાવટ કરી હતી.
વર્કશોપમાં બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહ, ચૂંટણી મામલતદાર પ્રજાપતિ, કવાંટ મામલતદાર વસાવા, અન્ય મામલતદારો, કેમ્પસ એમ્બેસેડર્સ, મતદાર સાક્ષરતા કલબના સભ્યો, આચાર્યો, ચૂંટણી નાયબ મામલતદાર મેહુલભાઇ પરમાર અન્ય અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર