Gujarat

છોટાઉદેપુર ખાતે લમ્પી સ્કિન ડીસીઝ  સંકલન અને મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઇ 

રાજયના ૨૦થી વધુ જિલ્લાઓના પશુધનમાં પ્રવર્તી રહેલા લમ્પી સ્કિન ડીસીઝને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની ઉપસ્થિતિમાં લમ્પી સ્કિન ડિસીઝ સંકલન અને મોનીટરિંગ કિમિટીની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના સરહદી ગામડાઓના પશુપાલકો સાથે બેઠક કરી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પશુઓની હેરફેર ન કરવા તેમજ અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં પશુઓની અવર જવર ન થાય એ બાબતની પશુપાલકોને જાણકારી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લામાં જો પશુઓમાં આ રોગચાળો જોવા મળે તો ગ્રામ્ય કક્ષાએ પશુઓને આઇસોલેટ કરી શકાય એવી જગ્યા નકકી કરવા તેમજ તકેદારીના ભાગરૂપે રસીનો જથ્થો મેળવી રાખવા માટે, પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા તેમજ જંતુનાશક દવાઓના છંટકાવ જેવી કામગીરી અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટરે નગરપાલિકા વિસ્તારમાં પણ રખડતા પશુધનની દેખરેખ અને સારવાર અંગે નગરપાલિકાના સત્તાધીશોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે બરોડા ડેરી સાથે સંકલનમાં રહી ડેરીના કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન રોગચાળાના અટકાયત માટે કેવી આગોતરી તૈયારીઓ કરી શકાય એ અંગે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ પશુપાલન નિયામક ડૉ. વિક્રાંતભાઇ ગરાસિયાએ લમ્પી સ્કિન ડિસીઝ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ રોગ કેપ્રી પોકસ વાઇરસથી પશુઓમાં થતો રોગ છે. સમયસર સારવાર આપવાથી બે દિવસમાં જ આ પશુ સ્વસ્થ થઇ જાય છે એમ જણાવી તેમણે છોટાઉદેપુર જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના હાલ કોઇ કેસ નથી. એક છોટાઉદેપુર તાલુકામાં અને એક પાવીજેતપુર તાલુકામાં મળી બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જેની સારવાર કરતા બંને પશુ સાજા થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે તકેદારીના ભાગરૂપે પાંચ હજાર જેટલી રસીના ડોઝ પણ મંગાવી લીધા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે બરોડા ડેરી પાસે પણ રસીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન વિભાગની ૩૦ ટીમો તથા ૨૦ મોબાઇલ પશુ દવાખાનાઓ કાર્યરત છે એમ કહી જો કોઇ પશુપાલકને તેમના પશુઓમાં આ રોગના લક્ષણ જોવા મળે તો તેમણે નજીકના પશુ આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નં ૧૯૬૨ પર સંપર્ક કરવા અંગે પણ પશુપાલકોને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.એમ.બોરડ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ.બી.કાચા, વેટરનરી ઓફિસર્સ, બરોડા ડેરીના પ્રતિનિધિઓ, મોબાઇલ પશુ દવાખાનાના કર્મચારી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

02-08-2022_-bethal-lampi-skin-decease-5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *