છોટાઉદેપુર જિલ્લો એ ગુજરાત રાજ્ય ના જીલ્લા ઓમા મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા ઓ પૈકી નો જિલ્લો છે, અન્ય સમાજ ના લોકો મોટાભાગે દિવાળીએ જ દિવાળી નો તહેવાર ઉજવતા હોય છે પરંતુ અહીં ના આદિવાસી સમાજના લોકો ખાસ કરીને દેવદિવાળી નો તહેવાર ઉજવતા હોય છે.
અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળા ના જણાવ્યા અનુસાર અહીં ના આદિવાસી ઓ દેવદિવાળી ની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હોય છે. આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિ ની પૂજા કરવામાં માને છે, પ્રક્રુતિ એ જ પરમેશ્વર છે, પ્રક્રુતિ હી જીવન એમ માની ને જેના વગર ખરેખર જીવન શક્ય જ નથી એવા ધરતીમાતા, આકાશ,પવન, અગ્નિ, પાણી આમ પાંચ તત્વો થકી જીવન અને સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહે છે જે સત્યને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોનારો સમાજ એટલે આદિવાસી સમાજ. અહીં ના આદિવાસી ઓ દેવદિવાળી નો તહેવાર ખાસ કરીને ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે જેમાં ધાનતેરસ થી શરૂ થઈ ને વાહી તહેવાર સુધી ચાલે છે, ધાનતેરસ એટલે કે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય કે જેના સહારે આખા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ ખેતીવાડી ના ખેડાણ, વાવણી, થી લઈને પકવવા માં આવેલ ફસલ ને પોઇંત જોડીને મસળવા થી લઈને બળદગાડામાં ખેતરમાં થી ઘરે સુધી અનાજ પકવવા અને લાવવા સુધી નુ કામ કરનાર બળદ ને ગેરુ થી શિંગડા રંગી ને આખા શરીર પર ગેરુ થી હાથનાં થપ્પા મારી ને બળદ ને ડોકે ઘંટડીઓ- ઘૂઘરા બાંધીને શણગારવામાં આવે છે તેમજ ઘર ની બહાર ની દિવાલે એક છાણ અને માટીના કાદવમાં થી ભિડીયુ બનાવવામાં આવે છે જેના પર ગલગોટા ના ફુલ અને લાલ ચણેકડી ના બીજ ની હારમાળા સર્જી ને સુશોભિત કરવામાં આવે છે તેના પર દિવાળી નો તહેવાર પુર્ણ થાય ત્યાં સુધી માટીના કોઢીયા માં દિવો પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ ચૌદસના દિવસે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય ને જે મોહટીઓ માં ભરવા માં આવી હોય તે મોહટીઓ (કોઠાર) પર દિવડા પ્રગટાવી ને ભારે આસ્થાભેર પુજન કરવામાં આવે છે,તે ઉપરાંત ઘરલી (કુળદેવી) પૂજન, ઝાંપા દેવ પૂજન કરવામાં આવે છે.
જ્યારે તહેવાર ના દિવસે વહેલી સવારે ઉઠીને દરેક ના ઘરમાં થી ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પિડા-પનોતી નહીં રહે તેવી માન્યતા માં ઘરમાં થી કકળાટ કાઢવા એક માટીના જૂના હાંડલા ને એક નાની લાકડી લઈને ટપલી મારતાં મારતાં રોગભોગ માળવે જાય,પીડા પનોતી માળવે જાય, ભૂતપ્રેત માળવે જાય, ચાંદુ ગુમડું માળવે જાય,ડાકણ ચૂડેલ માળવે જાય નુ બોલતા બોલતા આખા ઘરમાં ફરીને ગામ ના ગાંદરે (ચોરાહે) જઈને ઉંચે થી માટલું જમીન પર અથાડી ને ફોડવા માં આવે છે તેની સાથે જ એક જોરથી કુરરલો કુરરરુઉઉઉ…કરીને એક મોટો ફટાકડો ફોડી ને આ વિધિ પુરી પાડવામાં આવે છે, આમ ગયા વર્ષે ઘરમાં કોઈ પણપીડા પનોતી રહી હોય તે ઘરમાં થી નીકળી જાય અને આવનારા વર્ષમાં કોઈ પણ પ્રકારની તકલીફ પિડા-પનોતી નહીં રહે તેવી માન્યતા માં ઘરમાં થી ખાહખોહલો (કકળાટ) કાઢવા ની વર્ષો જૂની પરંપરા છે,ત્યારબાદ તહેવાર ના દિવસે એટલે કે એજ દિવસે આદિવાસી પરંપરા ઓ મુજબ વાનગીઓ બનાવીને ઘરલી (કુળદેવી) , ઝાંપા દેવ, ગાંદરીયાદેવ, ગોવાળદેવ, ગામદેવ,ગામ અખાડા,વેરાઈમાતા,ખેડાઇમાતા, બાબા કુવાજાદેવ, બાબા વડાદેવ બાબા લઢવાદેવ,બાબા કાળુરાણા દેવ, સીમદેવ, ડુંગરો પહાડો,નદી ઝરણાં તેમજ પોતાના ખત્રી પૂર્વજો ના સ્થાનક સહિત દરેક ગામોમાં અલગ અલગ પ્રકારના આદિવાસી દેવસ્થાનો આવેલા હોય તેની ગામ રિતરીવાજ પ્રમાણે માટીના ઘોડા,માટીનુ ધાબું,ચડાવીને માટીના કોડીયા માં દીવો પ્રગટાવી વર્ષે દહાડે એક વાર આ રીતે જરુરી પૂજા કરી ને દેવો ને રાજી કરવા માં આવતા હોય છે,અલગ અલગ પ્રકારે પૂજા કરાતી હોય છે, આમ આદિવાસી વિસ્તારના લોકો દેવદિવાળી નો તહેવાર કાંઈક અન્ય સમાજ ના લોકો થી અલગ રીતે ઉજવતાં હોય છે.
આ વિસ્તારમાં દિવાળી ગમે ત્યારે આવતી હોય પરંતુ ગામ માં સૌ સાજા માજા હોય અને ગામ માં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કેટલાક ગામોમાં માં ગુરુવારે (દેવે દેવ) કે કેટલાક ગામોમાં માં બુધવારે (ગુજરી)દેવ તો કેટલાક ગામોમાં માં રવિવારે (દીતવારીયો) દેવ પૂજાતો હોય છે જે વર્ષો જૂની પરંપરા મુજબ હોય છે. જયારે પણ તહેવાર કરવા નો હોય ત્યારે ગામલોકો ભેગા મળીને ગામ પટેલ, પુજારા, અને ડાહ્યા ની ઉપસ્થિતિ માં નક્કી કરાતુ હોય છે. ખાસ કરીને દેવદિવાળી નો તહેવાર વિસ્તાર પ્રમાણે અને ગામના લોકો નક્કી કરવામાં આવેલ દિવસે પુરો મહિનો ઉજવાતો રહે છે,જેથી કરીને અન્ય ગામોના સગાંવહાલાં ઓ ને પણ ભાવ પુર્વક તેડવા માં આવે છે
આમ આદિવાસી ઓ દરેક તહેવારો ઋતુ ચક્ર આધારિત અને પોતાની ફુરસદે સામુહિકતા જાળવી ને ઉજવવામાં માને છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


