છોટાઉદેપુર જિલ્લામાંથી તાજેતરમાં જ અન્ય જિલ્લામાં બદલી થયેલા ચાર ડેપ્યુટી કલેકટરોનો વિદાય સમારંભ સંકલન સમિતિ હોલ, છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુશ્રી, સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. રાજય સરકાર દ્વારા તાજેતરમાં જિલ્લા વહીવટીતંત્રમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા
અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી. જે પૈકી છોટાઉદેપુર જિલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી. અંકિતાબેન પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા મિતેશભાઇ વસાવા, છોટાઉદેપુર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા કલ્પેશ ઉનડકટ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા
જાડેજાની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવ્યા બાદ અન્ય જિલ્લામાં બદલી પામેલા ઉપરોકત ચારેય ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓને મહેસૂલી તંત્રના અધિકારી કર્મચારીઓએ વિદાય સમારંભ યોજી ભાવસભર વિદાય આપી હતી. જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે ચારેય ડેપ્યુટી કલેકટરોને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપીને શુભકામના પાઠવી નવી જગ્યાએ પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અંગે શુભેચ્છા પાઠવી હતી. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆએ પણ ચારેય ડેપ્યુટી કલેકટરોને ભાવિ અંગે શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી. વિદાય સમારંભમાં મહેસૂલી તંત્રના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર