આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટરે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન તા. ૧૩મી, ઓગષ્ટથી તા. ૧૫મી, ઓગષ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ તમામ રહેણાંકના મકાનો, તમામ સરકારી તેમજ ખાનગી કચેરીઓ, તમામ શાળા કોલેજો, ઓદ્યોગિક એકમો તેમજ તમામ જાહેર સ્થળોએ તિરંગો લહેરાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રીયતાની ભાવના પ્રબળ બને એ માટે યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન પુરેપુરા સન્માન સાથે તિરંગો દરેક જગ્યાએ લહેરાવવામાં આવે એના માટે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયાસો પણ કરવા જરૂરી છે એમ જણાવી તેમણે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે તેમણે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પણ કાર્યક્રમને અનુલક્ષીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત અધિકારીઓને ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે હર ઘર તિરંગા કાર્યક્રમના સફળ આયોજન માટે દરેક શાખાધિકારીએ કરવાની કામગીરી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ દરેક શાખા અધિકારીએ તેમની પોતાની કચેરી તેમજ તાબાની કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કમલેશભાઇ બારૈયા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિકાસ વિરલ વસાવા, આયોજન અધિકારી સુશ્રી. શ્વેતાબેન ડાભી, મામલતદારો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

