છોટાઉદેપુર: તા. ૧૯:
જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા સંકલન સમિતિ હોલમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-૧ની બેઠકમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે વિગતે ચર્ચા સંબંધિત વિભાગો સાથે કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટરે જે વિભાગને સાંસદ દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે તે વિભાગે સત્વરે જવાબ રજૂ કરી દેવા તાકીદ કરી હતી.
ભાગ-૨ની બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા લોકો તરફથી મળેલી અરજીઓ અંગે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, તમામ શાખાધિકારીઓ લોકો તરફથી મળેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરે એવી તેમણે તાકીદ કરી હતી. બાકી પેન્શન કેસોની સમીક્ષા કરતા તેમણે કોઇ પણ ઓફિસમાં પેન્શન કેસ પેન્ડીંગ ન રહે એની તકેદારી દરેક શાખાધિકારીએ રાખવાની રહેશે એમ જણાવી તેમણે સરકારી લેણાની વસુલાત, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, ખાતકીય તપાસના બાકી કેસો સહિતના મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
વધુમાં તેમણે ઇ-શ્રમ કાર્ડ નોંધણી અંગે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જીલ્લામાં ઇ-શ્રમ કાર્ડ મેળવવા લાયક તમામ શ્રમિકોની નોંધણી ફરજિયાતપણે થઇ જાય એ માટે જિલ્લાના તમામ અધિકારીઓએ ગંભીરતાથી કામગીરી કરવાની રહેશે. રોજે રોજ કરવામાં આવતી નોંધણી અંગેના રિપોર્ટ સમયસર મળી જાય એ સુનિશ્ચિત કરવા તેમણે તાકીદ કરી હતી. આ ઉપરાંત આગામી ૨૪મી, ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે ચર્ચા કરતા તેમણે દરેક વિભાગે તેમના લાભાર્થીઓની ઓનલાઇન એન્ટ્રી સમયસર થઇ જાય એની તકેદારી રાખવા, સ્ટેજ પરના લાભાર્થીઓની યાદી સમયસર મોકલી આપવા પણ જણાવ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, પુરવઠા અધિકારી અભિષેક સિંહા, નાયબ કલેકટર સુશ્રી. આર.એન.કુશવાહ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર રાઠવા, ખેતીવાડી અધિકારી સંજય ભગરિયા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
