છોટાઉદેપુર જિલ્લા મથક થી માત્ર 5 કિલોમીટર અંતરે નાલેજ ગામે સિંચાઈ ડેમ આવેલું છે. સારા ચોમાસાના કારણે ડેમ તો છલોછલ પાણી થી ભરાયેલો છે પરંતુ ખેડૂતો ને તેનો કોઈ લાભ મળતો નથી. નાલેજ, પાધરવાંટ , ઓળીઆંબા અને સીમલફળિયા એમ ચાર ગામો ના 326 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે તે માટે વર્ષ 1978 માં યોજના તો બનાવાઈ પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની દુર્લક્ષતા અને પ્રશાસન ના ગેરવહીવટ ના કારણે હાલ ફક્ત બે જ ગામના 30 હેકટર સુધી જ પાણી પહોંચી રહ્યું છે. કાચી કેનાલો અને પથ્થર થી બનાવેલા જર્જરિત કૂવાઓ માંથી પાણી નો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તો યોગ્ય સમારકામ ના અભાવે આગળ સુધી કેનાલો માં પાણી જતું નથી જેને લઈ આદિવાસી ખેડૂતો ને માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. ખેડૂતો નો આક્ષેપ છે કે અનેક વાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્ન નો કોઈ હલ આવતો નથી
ડેમ માં અત્યારે 73.57 મિલિયન ક્યુબીક ફુટ એટલે કે 77 ટકા જેટલો પાણી નો ભરાવો છે. પરંતુ આ પાણી ખેડૂતો ના ખેતરો સુધી જવાના બદલે કોતરોમાં વહી રહ્યું છે. સરકાર ખેડૂતોના ઉત્થાન માટે દવાઓ તો કરે છે પરંતુ જે ઠોસ કામ કરવું જોઈએ તે કરતી નથી. દસ વર્ષ અગાઉ આ ડેમ અને કેનાલો રીપેરીંગ માટે અંદાજીત 14 લાખ નો ખર્ચ કરાયો હતો જ્યારે દર વર્ષે ડિસિલટિંગ અને કેનાલો સાફ કરવા પાછળ પણ ખર્ચો કરાય છે પરંતુ પાણી ની સાથે લોકો ના નાણા નો પણ વેડફાટ જ થાય છે. ખેડૂતોની માંગ છે કે વહેલીતકે કેનાલો પાકી બને અને ખેતરો સુધી પાણી પહોંચે તો આદિવાસી ખેડૂતોને મજૂરી કરવાં પલાયન ના થવું પડે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


