ભુજ
અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે બોટમાં ચડતી વખતે પગ લપસી જતા વલસાડનો ખલાસી દરિયામાં તણાઈ ગયો હતો. જેના પગલે માછીમારો દ્વારા બે દિવસથી દરિયાના પાણીમાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. જેના ભાગરૂપે ૨૬ વર્ષીય હિતેશ હળપતિ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગીના મૃતદેહને નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. નલિયા પાસેના જખૌ બંદર પર રાજ્યભરમાંથી માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે આવતા હોય છે. તેમાં બોટ નંબર આઈએનડી જીજે ૨૧ એમએમ ૬૩૯ નામની બોટનો ખલાસી હિતેશ બોટમાં ચડતી વખતે અકસ્માતે દરિયામાં પડી ગયો હતો. જેથી પાણીમાં ગરક થયેલા હતભાગીની શોધખોળ માટે માછીમારો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે લાંબી શોધખોળના અંતે ૩૭ કલાક બાદ આ યુવકની લાશ મળી આવી હતી. બનાવની જખૌ મરીન પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું હુસેન સંઘારે જણાવ્યું હતું.