રાજ્યમાં એકપણ વ્યક્તિ સારવાર કે દવાના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહે છે- રાઘવજીભાઇ પટેલ
૦૦૦૦૦
જામનગર તા.૨૫ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે જામનગરના ખીમરાણા ગામ ખાતે રૂ.૨૨ લાખના ખર્ચે નિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખીમરાણા-૨નું લોકાર્પણ કરાયું હતું.
આ આરોગ્ય કેન્દ્રના નિર્માણથી ખીમરાણાના ગ્રામજનોને ઘરાઆંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.અંતરિયાળ ગામોમાં બીમારીના પ્રશ્નો વારંવાર થતા હોય ત્યારે સારવાર માટે જામનગર શહેર જવુ પડતું હોય છે.સરકાર જ્યારે ગુજરાતનો દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટેના ભગિરથ પ્રયાસો કરી રહી છે ત્યારે ખીમરાણા ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની શરૂઆત સરકારના પ્રયત્નો તરફનું એક સફળ પગલું છે.
આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ બ્લડપ્રેસર મપાવીને મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રની સુવિધાનું પણ લોકાર્પણ કર્યું હતું. હેલ્થ સેન્ટરની સુવિધા અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડાયાબીટીસ, બી.પી. તથા અન્ય રોગોના નિદાન, માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર સાથે જ આરોગ્ય કેન્દ્રમાં સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અંગેની માહિતી અને માર્ગદર્શન પણ મળી રહેશે.રાજ્યમાં એકપણ વ્યક્તિ સારવારના અભાવથી કે દવાઓના અભાવથી મૃત્યુ ન પામે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહે છે.ત્યારે આ આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોની તંદુરસ્તી જળવાય રહે તેવી મંત્રીશ્રીએ અપેક્ષા વ્યકત કરી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ કોરોનાકાળમાં આરોગ્ય કર્મચારીઓની સેવાઓ માટે તેમની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં જામનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ માંડવીયા, ખીમરાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વિજ્યાબેન માંડવીયા, ધર્મીષ્ઠાબા જાડેજા, સી.ડી.એચ.ઓ શ્રી ભારતીબેન ધોળકીયા, ડો.અજય વકાતર વગેરે આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા