જામનગર
જામનગર નજીકના મોરકંડા ગામે રાત્રે એક કોળી યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેને લઈ ચકચાર મચી છે. આરોપી પોલીસમાં મૃતક અંગેની બાતમી આપતો હોવાની શંકાના આધારે મૃતક અને તેના મિત્રોને આરોપી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ પીઠ પાછળથી કોસ વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસ આરોપીને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. જામનગર નજીકના મોરકંડા ગામે હત્યાનો બનાવ સામે આવતા નાના એવા ગામમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે જામનગરમાં રહેતા મંજુબેન દિલીપભાઈ સોલંકીએ પંચકોશ બી ડિવિઝન પોલીસ દફતરમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાનાથી અલગ રહેતા પુત્ર સુરેશ ઉર્ફે ગડો દિલીપભાઈ ઉવ ૨૪ અને તેના મિત્રો રાત્રે ગામમાં ઊભા હતા, ત્યારે આરોપી મિલન રમેશ સીતાપરા ત્યાં આવી પહોંચ્યો હતો. મોરકંડા ગામે પોલીસના દરોડા પડે છે તેની બાતમી મિલન આપતો હોવાની વાતને લઈને મિલન અને સુરેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપી મિલન પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને ઘરેથી લોખંડની કોસ લઈ આવી બજારમાં ઉભેલા સુરેશ પર પાછળથી હુમલો કર્યો હતો. લોખંડની કોસનો એક ઘા માથાના ભાગે ફટકારી મિલને સુરેશને પાડી દીધો હતો. ત્યારબાદ ઉપરા ઉપરી માથાના ભાગે તથા દાઢી ગરદનના ભાગે ઘા કરતા સુરેશની ખોપડી ફાટી ગઈ હતી. આ ઘટના સમયે સુરેશના મિત્રો બચાવવા દોડી આવતા આરોપી મિલન નાસી ગયો હતો. મૃતક સુરેશના મિત્ર સન્નીએ સુરેશના ભાઈને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જેના પગલે મૃતકના માતા-પિતા અને તેનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક સુરેશે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેઓના છૂટાછેડા થઈ ગયા હતા અને બે વર્ષ પૂર્વે આવાસમાં રહેતી મમતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

