જામનગર
સૌરાષ્ટ્રમાં કલાકારોના અવાજ પર લોકડાયરાઓમાં નોટોનો વરસાદ થતો જ રહે છે ત્યારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ડાયરાના કાર્યક્રમમાં જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુ પણ વિશેષ હાજર રહ્યા હતા. કથા દરમિયાન ઇન્દ્રભારતી બાપુ, કથાકાર રમેશભાઈ ઓઝા અને કથાના યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇન્દ્રભારતી બાપુએ લોક કલાકાર દેવાયત ખવડ ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો, જેમાં તેમની સાથે રમેશભાઈ ઓઝા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જાેડાયા હતા. મુખ્ય કથાકાર રમેશભાઈ ઓઝા લોક સાહિત્યકાર દેવાયત ખવડના લોકગીતો તેમજ લોક સાહિત્યની વાતો સાંભળવા માટે કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમણે દેવાયત ખવડની લોક સાહિત્ય ને લગતી વાતો અને દેશભક્તિ સહિતના ગીતો સાંભળ્યા હતા. ઉપરાંત દેવાયત ખવડ પણ ભાઇજીની હાજરીને લઈને ખૂબ જ ખીલ્યા હતા અને મંચ પરથી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ઇતિહાસને યાદ કરાવી સહુ શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. જૂનાગઢના સુપ્રસિદ્ધ ઇન્દ્રભારતી બાપુએ પણ રાત્રિ કાર્યક્રમ દરમિયાન વિશેષ હાજરી આપી હતી. જેમનું યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરીયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા તેમજ ભાવનગરના ચતુરસિંહજી ગોહિલ અને અરૂણસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હોવાથી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્દ્રભારતી બાપુ લોક ડાયરાના કાર્યક્રમમાં ઉત્સાહભેર જાેડાયા હતા અને કલાકારોનો ઉત્સાહ વધારવા માટે તેમણે જાતે જ રમેશભાઇ ઓઝાને સાથે રાખીને નોટોનો વરસાદ કર્યો હતો. જેને નિહાળ્યા પછી કથા મંડપમાં ઉપસ્થિત રહેલા યજમાન પરિવાર અને તેમના સગા સંબંધીઓ ઉપરાંત અન્ય શ્રોતાગણો પણ રીઝ્યા હતા અને મોટી સંખ્યામાં નોટોનો વરસાદ જાેવા મળ્યો હતો.


