રાજકોટ
જામનગરમાં ૪ દિવસ પહેલા સામાન્ય બાબતે ડખો કરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવનાર નિવૃત્ત ફોજદારના પુત્ર સહિત બે આરોપીને બનાવમાં વપરાયેલા હથિયાર સાથે પોલીસે ઝડપી લીધા છે. સંજયનગરમાં રહેતા અને રેતીનો વેપાર કરતા ચેતન મેણંદભાઇ રાઠોડ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના ભાઇ સતિષ ઉર્ફે હિતેશના ટુ વ્હિલ સાથે રોંગ સાઇડમાં ધસી આવેલા છોટાહાથી વાહન ભટકાયું હતું. જેથી સતિષે વાહન જાેઇને ચલાવવાનું કહેતા ફોર વ્હિલનો ચાલક બ્રિજરાજસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને ફોન કરી અન્ય શખ્સોને બોલાવ્યા હતા. મામલો વધુ બિચકતા પોતે પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં નિવૃત્ત પીએસઆઇ રવુભા ચુડાસમાનો પુત્ર યુવરાજસિંહ, બ્રિજરાજસિંહ સહિત પાંચ શખ્સે ડખો કર્યો હતો. તે સમયે યુવરાજસિંહે તેની જીપમાંથી રિવોલ્વર લઇ આવી સતિષ ઉર્ફે હિતેશને માથામાં રિવોલ્વરનો કુંદો મારી પોતાની સામે રિવોલ્વર તાકી આટલી જ વાર લાગશે તેમ કહી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સરાજાહેર ભડાકા કરી આરોપીઓ ભાગી ગયા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે ગાંધીગ્રામ પોલીસમથકના પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે નાસી ગયેલા પાંચ આરોપી પૈકી વીરભદ્રસિંહ જાડેજા, સચિન બાબરિયા અને દીપક બાબરિયાને પકડી પાડ્યા હતા. જ્યારે ફાયરિંગ કરનાર નિવૃત્ત ફોજદાર પુત્ર સહિત બે નાસતા ફરતા હતા. દરમિયાન ફરાર બંને આરોપી જામનગર રોડ પર આવ્યા હોવાની માહિતીના આધારે તુરંત પોલીસ ટીમ ત્યાં દોડી જઇ જામનગર રોડ, વિનયવાટિકામાં રહેતા નિવૃત્ત પીએસઆઇના પુત્ર યુવરાજસિંહ રવુભા ચુડાસમા અને ભાવનગર રોડ, મેરામબાપાની વાડીમાં રહેતા બ્રિજરાજસિંહ સતુભા ઝાલાને ઝડપી લઇ યુવરાજસિંહ પાસેથી રિવોલ્વર કબજે કરી છે. પોલીસે કબજે કરેલી રિવોલ્વર ગેરકાયદેસર હોય ક્યાંથી લીધી, ક્યારે લીધી, અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા મંગળવારે બંનેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. પકડાયેલો યુવરાજસિંહ અગાઉ જામનગર, જાેડિયા, રાજકોટ, જેતપુર પોલીસમાં વ્યાજખોર, આર્મ્સ એક્ટ, છેતરપિંડી સહિત સાત ગુનામાં અને બ્રિજરાજસિંહ આગાઉ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
