જામનગર
સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જામનગરના યુવરાજસિંહ ભુરૂભા ઝાલા અને ખાન ખોટડાના ભરતભાઈ શામજીભાઈ ગલાણીએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે બંને આરોપીઓ વિરૂદ્ધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરાઈ હતી જેથી સમન્સ મળતા બંને આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આર.બી.ગોસાઈની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫ (૨) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ ૧૩૮ અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવ્યાં હતા. યુવરાજસિંહ ભુરૂભા ઝાલાને એક વર્ષની જેલની સજા તેમજ રૂ.૧,૨૩,૯૦૬ નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ ભરત શામજીભાઈ ગલાણીને ૪ ચાર માસની સજા અને રૂ.૩૭૪૩૪ દંડ કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

