ભારત સરકારના ઉપક્રમે રાષ્ટ્રવ્યાપી મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત નિયમિત રસીકરણમાં કોઈપણ કારણસર વંચિત રહેલા તમામ સગર્ભા માતાઓ તથા ૨ વર્ષ સુધીના બાળકોને તમામ પ્રકારની રસી દ્વારા રક્ષિત કરવાના સંકલ્પ સાથે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે જ સમગ્ર જિલ્લામાં અલગ-અલગ ૮૦ જેટલા સ્થળોએ રસીકરણ કાર્યક્રમ દ્વારા ૩૬૮બાળકો અને ૯૬ સગર્ભા માતાઓને શોધી તેમને જરૂરિયાત મુજબના બાકી રહેતા રસીના ડોઝ આપવામાં આવેલ હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર સપ્તાહ દરમ્યાન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ દુર્ગમ વિસ્તાર જેવા કે અંતરિયાળ વાડી વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક એકમો વગેરે જગ્યાએ કામ કરતા મજૂરો તથા પરપ્રાંતિય કામદારોમાં અરક્ષિત રહેલા ૦થી ૨વર્ષના બાળકો તથા સગર્ભા માતાઓને સર્વેલન્સ દ્વારા શોધીને તેમના બાકી રહેતા રસીના ડોઝ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવશે તેમજ બાકીના દિવસોમાં બાકી રહેલા તમામ લાભાર્થીઓને શોધી રસીકરણમાં આવરી લેવાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આર.સી.એચ અધિકારી ડો. નુપૂર અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે એક પણ સગર્ભા કે બાળક રસી વગરનું રહી ના જાય તે માટે અભિયાનમાં વાડી માલિકો તથા ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓને સહયોગ આપવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે