Gujarat

જામનગર જિલ્લામાં ૪ કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ રોજ થનાર છે. આ તારીખથી સમગ્ર જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી તેથી સમગ્ર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવેલ છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને અને    ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દવારા મંજુરી આપેલ વ્યકિતઓને લાગુ પડશે નહીં.

આ હુકમ ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૧૦/૧૨/ર૦૨૨ સુધી) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *