જામનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) જિલ્લા સુખાકારી સમિતિ‘ની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત વિવિધ ગામડાઓમાં થઇ રહેલા વિકાસ કાર્યો, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, તેમજ વ્યક્તિગત શૌચાલય જેવી બાબતો પર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સમિતિના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સમાવિષ્ટ કરાયેલા 137 ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી પર ખાસ ભાર મુકવામાં આવે. રૂ.1.13 કરોડથી વધુના ખર્ચે ઘન કચરા વ્યવસ્થાપન (swm) કોમ્પોનેન્ટ બનાવવામાં આવશે. જ્યારે પ્રવાહી કચરા વ્યવસ્થાપન (lwm) કોમ્પોનેન્ટ માટે રૂ. 96 લાખથી વધુના ખર્ચે 3 અલગ-અલગ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. કુલ રૂ. 2.35 કરોડથી વધુના ખર્ચે નાણાપંચ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે 157 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23માં રૂ. 30 લાખના ખર્ચે 258 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવશે, તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિને પોતાના ઘરે વ્યક્તિગત શૌચાલયની જરૂરિયાત પડે તે માટે ઓનલાઇન અરજી પણ કરી શકાય છે. તેમજ ઘરે-ઘરે શૌચાલયની મહત્વતા સમજાવતા પેમ્ફલેટ્સ છાપીને તેની વહેંચણી કરવામાં આવશે, જેથી લોકો જાગૃત બને. જિલ્લાના 136 ગામડાઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી માટે નવા 37 રીક્ષા કમ ટિપરવાનની (હાઇડ્રોલિક વાહનો) મંજૂરી આપવામાં આવી છે. ઓક્ટોબર 2022માં જામનગર મહાનગરપાલિકામાં આવતા 35 ગામડાઓમાં દૈનિક કુલ 16 ટન કચરો અને માસિક 481 ટન વેસ્ટ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. ઠેબા ડમ્પિંગ સાઈટ પરથી દરરોજ થયેલી કામગીરીના અહેવાલ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
આ બેઠકમાં ડી.આર.ડી. એ. નિયામકશ્રી એન.એફ. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હારુન એચ. ભાયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સી.એન. જાડેજા, પાણી પુરવઠા બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રી દુષ્યંતસિંહ વીજાડેજા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસરશ્રી બિનલબેન, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી દિવ્યેશભાઈ સંઘાણી તેમજ એસ.બી.એમ.જી. જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી વી.બી. ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.


