જામનગર તા.૨૫ ફેબ્રુઆરી,ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્વયે અંડર-૧૧,૧૪,૧૭ ઓપન વયજૂથ(૧૭ થી ૪૫ વર્ષ) એમ જુદા જુદા વયજૂથની એથ્લેટીક્સ, કબડી, ખોખો, ચેસ, વોલીબોલ, યોગાસન, આર્ચરી, સ્વીમીંગ, જૂડો, કુસ્તી, બાસ્કેટબોલ, ટેકવેન્ડો, બેડમિન્ટન,હોકી, ફૂટબોલ,કરાટે, ટેબલ ટેનીસ,હેન્ડબોલ, ફેન્સીંગ, બોક્સિંગ, શૂટીંગ, જીમ્નાસ્ટીક,આર્ટિસ્ટીક સ્કેટિંગ જેવી રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવશે.જેમાં અંડર-૧૧,૧૪,૧૭ વયજૂથના શાળા/કોલેજમાં ભણતા ખેલાડીઓએ ફરજીયાત શાળાએથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ઓપનવયજૂથ(૧૭ થી ૪૫ વર્ષ)ના ખેલાડીઓ ખેલ મહાકુંભની www.khelmahakumbh.gujarat.gov.inવેબસાઈટથી રજીસ્ટ્રેશન કરી શકાશે. ખેલ મહાકુંભને વધુમાં વધુ સફળ બનાવવા તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.જેમાં જામનગર શહેરના દરેક વોર્ડમાંથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી પાર્ટીસીપેશન કરવા માટે કમિશનરશ્રી વિજય ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી,શાસનાધિકારીશ્રી,જીલ્લા શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ, વ્યાયામ શિક્ષકશ્રીઓ,એસોસિએશનના પ્રતિનિધિઓ,યોગ કોચ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
