Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા તેમજ કેન્દ્રિય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષ રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાશાળા ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રની મુલાકાત લઇ મતદાન ટુકડીઓની રવાનગી કામગીરીનું કરેલું નિરીક્ષણ 

અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૨૨
————-
નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારના ૬૨૪ મતદાન મથકો માટે જિલ્લામાં કુલ-૮૩ જેટલા ઝોનલ અધિકારીશ્રીઓ દ્વારા ૧૫૬ જેટલા નિયત વાહન રૂટ દ્વારા મતદાન ટુકડીઓની રવાનગી
————-
    રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાશાળા ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રની આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષે મુલાકાત લઇ નાંદોદ વિધાનસભા મત વિસ્તારની મતદાન ટુકડીઓ દ્વારા મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી પાસેથી જરૂરી આંકડાકીય વિગતો સાથેની જાણકારી મેળવી હતી. આ મુલાકત વેળા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, સંખ્યાધિક અધિક કલેકટર શ્રી સી.એલ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞાબેન દલાલ પણ સાથે રહ્યા હતા.
              ઉક્ત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી.સુભાષે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ઉક્ત ડિસ્પેચીંગ કામગીરી દરમિયાન સેન્ટરમાં EVM – VVPAT સંદર્ભની તૈયારીઓ માટે ચાલી રહેલી કામગીરીનું પણ શ્રી ટી.વી.સુભાષે નિરીક્ષણ કર્યું હતું. અને ડિસ્પેચીંગ પહેલા રાખવાની થતી તમામ પ્રકારની જરૂરી કાળજી રાખવા તેમજ મતદાન ટૂકડીઓની રવાનગી સમયે / ડિસ્પેચીંગ વખતે આ કેન્દ્રમાં જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ, નિયત સ્થળોએ બેરીકેટીંગ, CCTV કેમેરા સુવિધા માટેની જરૂરી વ્યવસ્થા સહિતની કેટલીક બાબતો અંગે ચૂંટણી અધિકારીશ્રી ગોકલાણીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
       ડિસ્પેચીંગ સેન્ટરની આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નાંદોદના ચૂંટણી અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી સાથે કરેલી ચર્ચા-પરામર્શ દરમિયાન શ્રી ગોકલાણીએ નાંદોદ વિધાનસભા વિસ્તારના સખી મતદાન મથકોના મહિલા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના સમગ્ર સ્ટાફના મહિલા કર્મચારીઓ સાથે શ્રીમતી તેવતિયાએ સીધો સંવાદ કરીને તેમને સોંપાયેલી ફરજો ખૂબ જ ચોકસાઇથી ઉત્સાહપૂર્વક બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
        આજે રાજપીપલા ખાતેથી નાંદોદ વિધાનસભા બેઠક માટેના ૩૦૭ મતદાન મથકો માટે ૩૮ જેટલા ઝોનલ અધિકારીશ્રીઓ દ્વારા નિયત કરાયેલા ૬૦ જેટલાં વાહન રૂટ મારફત આ મતદાન ટુકડીઓની રવાનગી થઇ હતી તેની સાથોસાથ દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી આનંદ ઉકાણીની રાહબરી હેઠળ દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી ૩૧૭ મતદાન મથકો માટેની મતદાન ટુકડીઓને તેમની મતદાન સામગ્રી સાથે ૪૫ જેટલા ઝોનલ અધિકારીશ્રીઓ દ્વારા નિયત કરાયેલા ૯૬ જેટલા વાહન રૂટ મારફત રવાનગી કરાઇ હતી.
             નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણીએ જણાવ્યું હતું કે, નાંદોદ વિધાનસભા બેઠક માટે ગુરૂવારે ૩૦૭ બુથ પર  યોજાનારા મતદાન માટેનું આયોજન કર્યું છે. તેના માટેનો તમામ સ્ટાફ આવી ગયો છે અને પોત પોતાની સ્ટેશનરી અને EVM મશીન સાથેની સામગ્રી મેળવીને તેઓ પોતાની ફરજના સ્થળે રવાના થયા છે. દરેક મતદાન મથકે જે વાહનો જઈ રહ્યા છે તે તમામ વાહનો જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમ ધરાવે છે. મતદાન મથકોની પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સારામાં સારું મતદાન થાય તે બાબતે મતદાન જાગૃતિના પણ અનેક કાર્યક્રમો અગાઉ કરવામાં આવેલા છે. ઘણું ઊંચું મતદાન થવાની અપેક્ષા સાથે જિલ્લા ચૂંટણીતંત્ર સંપૂર્ણ રીતે સસજ્જ છે.

IMG-20221130-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *