Gujarat

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તમાકુ નિષેધ અસરો સમજાવતા વર્કશોપનું આયોજન

આગામી દિવસોમાં વહીવટી તંત્ર અને NGO દ્વારા જિલ્લાભરમાં વ્યસન જાગૃતિ કાર્યક્રમ યોજાશે
તમાકુની પર્યાવરણ પર અસરોની થીમ સાથે ઉજવવામાં આવશે ૨૦૨૨ના વર્ષનો તમાકુ નિષેધ દિવસ
    ગિરગઢડા તા 27
    ભરત ગંગદેવ .
 આધુનિક વિશ્વમાં તમાકુનું વ્યસન અનેક રોગોનું કારણ બન્યું છે. અશિક્ષિત અને શિક્ષિત બંને સમાજમાં એક અથવા બીજી રીતે તમાકુ અને તમાકુને લગતા ઉત્પાદનોનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જોવા મળ્યો છે. તમાકુની માનવજીવન પર હાનિકારક અસરોને ધ્યાને લઇ 31મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અંતર્ગત યુવાપેઢીમાં કઈ રીતે તમાકુ હાનિકારક છે તેને લગતા વિસ્તૃત વર્કશોપનું આયોજન જિલ્લા પંચાયત ભવન ગીર સોમનાથના સભાખંડ ખાતે કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં ગીર સોમનાથ જિલ્લાના સી.ડી.એચ.ઓ  અરુણ રોય,જિલ્લા ડીવાયએસપી  એમ.એમ પરમાર, ઈએમઓ  ડૉ.દિવ્યેશ ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા ‘તમાકુ ઉત્પાદનોની માનવજીવન પર નિષેધાત્મક અસરો’ તેમજ ‘આપણા પર્યાવરણ પર તમાકુ અને તમાકુના ઉત્પાદનોની વિપરીત અસરો’ વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરાયા હતા. આ તકે ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ સાથે જોડાયેલા ફેઇથ ફાઉંડેશન બરોડાના સ્વયંસેવકો દ્વારા તમાકુના દૂષણોને દર્શાવતું નાટક પ્રસ્તુત કરાયું હતું. સાથે જ સ્વામિનારાયણ બીએપીએસ ટીમ દ્વારા સમાન્ય પરિવારો પર તમાકુના ઉત્પાદનોની વિપરીત અસરો દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રસ્તુત કરાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લાના સી.ડી.એચ.ઓ  અરુણ રોય દ્વારા તમાકુ કઇ રીતે સ્વાસ્થ્યને હાનિકારક છે? તેમજ મનુષ્યના પાચનતંત્ર, શ્વસનતંત્ર અને સર્વાંગી વિકાસને અતિ નુકસાનકારક છે તેના પર વૈજ્ઞાનિક તથ્યો સાથે માહિતી આપવામાં આવી હતી.
જિલ્લાના હેડ ક્વાર્ટર ડીવાયએસપી  એમ.એમ પરમાર દ્વારા ‘વ્યસન એ માત્ર માનસિક તાબે થવાની બાબત છે,જેનો શરીરની જરૂરિયાતો સાથે કોઈ પણ સંબંધ નથી તેમજ દ્રઢ નિર્ણય શક્તિથી કોઈપણ વ્યસનને છોડી શકાય છે’ તે બાબતે સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિશેષ રૂપે જોડાયેલા વડોદરાના ફેઈથ ફાઉન્ડેશનના  અક્ષય અગ્નિહોત્રીએ વ્યસનની વિવિધ કક્ષાઓ અને તેમાંથી બહાર આવવાના ઉપાયો બાબતે જણાવતા કહ્યું હતું કે વ્યસન શારીરિક અને માનસિક બે રીતે બંધાય છે. શારીરિક વ્યસનમાં HALT એટલે કે H-hunger-ભૂખ, A-anger ગુસ્સો, L- Loneliness એકલતા, T- tiredness થાક, આ બાબતો સાથે વ્યસન અનિવાર્ય છે તેવી વ્યક્તિની આદત બંધાય છે. જેને ઉપરોક્ત બાબતોમાં પરિવર્તન કરીને દૂર કરી શકાય છે. માનસિક રીતે વ્યસનમાં વ્યક્તિ PPS એટલેકે P-people લોકો, P-place સ્થળ,S-situation પરિસ્થિતિને જાણીને આજ સંજોગોમાં વ્યસન કરવાનું પસંદ કરે છે ત્યારે એ લોકો સ્થળ અને પરિસ્થિતિમાં ફેરફાર કરીને વ્યક્તિ માનસિક વ્યસનમાંથી છૂટી શકે છે તેમ તથ્યાત્મક સમજ આપી જણાવ્યું હતું. સાથે જ જો ગુજરાતમાં વ્યસન અટકી શકે તો પ્રતિવર્ષ ૬૫૫૪ ટન પ્રદૂષણયુક્ત કચરો દૂર કરી શકાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે. સાથે જ COPTA 2003 એક્ટ હેઠળ કડક પગલાં ભરીને કઇ રીતે વ્યસનમુક્તિ અભિયાન વધુ પ્રબળ બનાવી શકાય તેના માટે માહિતી આપી હતી.
સાથે જ બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા  વિપુલ પરમારે ઉપસ્થિત સર્વેને સંબોધતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ૩૦૦૦૦ બાળકો વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા છે અને આ બાળકો અલગ અલગ જગ્યા ઉપર જઈને વ્યસન મુક્તિના કાર્યક્રમ કરી રહ્યા છે. બાળકોના નિસ્વાર્થ અને માસુમ ભાવને જોઈને અનેક લોકો વ્યસન છોડવા તૈયાર પણ થયા છે બાળકો દ્વારા વાર્ષિક ખર્ચની ગણતરી કરાવીને વ્યસન છોડવા લોકોને પ્રેરિત કરાઈ રહ્યા છે.
ત્યારે આ તકે NTCP ના સોશિયલ વર્કર શ્રીમતી દિપ્તીબેન વ્યાસ દ્વારા તંત્ર દ્વારા તમાકુ નિષેધ માટે કરવામાં આવેલ કાર્યવાહીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. તેમજ  COPTA-2003 એક્ટની ઉપયોગીતા સમજાવી હતી.  તેમજ GHCL ફાઉન્ડેશનના  જીતેન્દ્રભાઈ ભટ્ટ, અંબુજા ફાઉન્ડેશનના  ધર્મેન્દ્રભાઈ પરમાર, સહિતના મહાનુભાવો દ્વારા વ્યસન મુક્તિના સમર્થનમાં પોતાના મંતવ્ય પ્રસ્તુત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન  મેહુલભાઈ ચુડાસમા દ્વારા કરાયું હતું જેમાં શ્રી જયશ્રીબેન અને  મનુભાઈ રામ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.

IMG-20220526-WA0328.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *