જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને રસ્તાઓને નાની- મોટી અસર પહોંચી છે. ત્યારે આ રસ્તાઓના મરામત – સમારકામ પૂરપાટ ઝડપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જનપ્રતિનિધિઓની સાથે પ્રજા દ્વારા મળેલી રજૂઆતો પર ત્વરિત ધ્યાન આપી રોડ રસ્તાઓનું પેચવર્ક સહિતનું કામ થઈ રહ્યું છે. ઉપરાંત ટ્વીટર પર મળેલી રજૂઆતોને પણ જિલ્લા વહીવટી તંત્ર સકારાત્મકતાથી લઈ રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખને પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ઇન્દ્રાણા-બલગામને જોડતા ક્ષતિગ્રસ્ત રસ્તાની રજૂઆત સામે આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સકારાત્મકતા સાથે આ રસ્તાના ત્વરિત મરામત-સમારકામ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ત્યારબાદ આ રસ્તો પૂર્વવત થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી.
